ભારતમાં આ વર્ષે માર્ચમાં લોકોએ રેકોર્ડ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, વર્ષ 1901 પછી દેશમાં સૌથી ગરમ માર્ચ મહિનો હતો, જે દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.86 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. આ ઉપરાંત માર્ચના મધ્યભાગથી રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત ભારતના ઘણા રાજ્યોમાં ગરમ હવાઓ એટલે કે લૂ ફૂંકાઈ રહી છે.
માર્ચમાં દેશમાં સરેરાશ તાપમાન 33.10 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતા 1.86 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. આ સમયગાળા દરમિયાન સરેરાશ લઘુત્તમ તાપમાન 20.24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.91 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. જ્યારે માર્ચ મધ્ય વિસ્તારમાં સામાન્ય કરતાં 1.62 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ રહ્યો હતો.
હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર અને મધ્ય ભારતમાં હાલ ગરમી અને લૂથી કોઈ રાહત નહીં મળે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર એપ્રિલ મહિનો શુષ્ક રહેવાની શક્યતા છે. રાજધાની દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તશે.