કોરોના વાઇરસનું નવું મ્યુટન્ટ વેરિઅન્ટ XE ઓમિક્રોનના સબવેરિયન્ટ BA.2 કરતાં લગભગ 10 ટકા વધુ ચેપી હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઓમિક્રોનનું BA.2 સબ-વેરિયન્ટ કોવિડ-19નું અત્યાર સુધીનું સૌથી સંક્રામક સ્ટ્રેન હતું. તે વિશ્વના ઘણા દેશોમાં ફેલાઇ રહ્યું છે. તે અમેરિકામાં નવા કોરોનાના કેસોના ફેલાવા માટે જવાબદાર છે.
ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં જાહેર કરેલા એક રિપોર્ટમાં કહ્યું કે, Xe રિકોમ્બિનન્ટ (Ba.1-Ba.2), પ્રથમ વખત 19 જાન્યુઆરીએ યુકેમાં મળી આવ્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં 600થી વધુ સિક્વન્સની પુષ્ટિ કરાઇ છે. પ્રારંભિક અનુમાન મુજબ, આ નવું પેટા વેરિયન્ટ Ba.2 કરતાં 10 ટકા વધુ ચેપી છે. જો કે, આ દાવાને વધુ પુષ્ટિની જરૂર છે.
યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી (યુકેએચએસએ) દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, હાલમાં ત્રણ નવા પ્રકારોનો પ્રસાર થઇ રહ્યો છે. આમાં XD, XE અને XFનો સમાવેશ થાય છે. રિપોર્ટ્સ અનુસાર, XD ડેલ્ટા મોટાભાગે ફ્રાન્સ, ડેનમાર્ક અને બેલ્જિયમમાં જોવા મળે છે. ઈમ્પીરીયલ કોલેજ લંડનના વાઈરોલોજિસ્ટ ટોમ પીકોકના જણાવ્યા અનુસાર, XD એક કરતા વધુ દેશોમાં ફેલાઈ ગયો છે.