પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતીય શેરબજાર સોમવારના બંધ સુધીમાં $4.33 ટ્રિલિયનના માર્કેટકેપ સાથે પ્રથમ વખત હોંગકોંગને પાછળ રાખીને વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું શેરબજાર બન્યું હતું. હોંગકોંગના શેરબજારનું માર્કેટકેપ $4.29 ટ્રિલિયન રહ્યું હતું, એમ બ્લૂમબર્ગના ડેટામાં જણાવાયું હતું.

અમેરિકા વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે, જેનું મૂલ્ય 50.86 ટ્રિલિયન ડોલર છે આ પછી ચીન 8.44 ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જાપાન 6.36 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય શેરબજાર 5 ડિસેમ્બરે પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું. જેમાં છેલ્લા ચાર વર્ષમાં લગભગ બે ટ્રિલિયન ડોલર ભારતમાં ઉમેરાયા છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. આ ઉપરાંત આર્થિક સુધારાએ પણ ભારતને વિશ્વભરના રોકાણકારોનું પ્રિય બનાવ્યું છે.

મુંબઈમાં એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં વિકાસની ગતિને આગળ વધારવા માટે તમામ બાબતો યોગ્ય છે.” ભારતીય શેરોમાં સતત વધારો અને હોંગકોંગમાં ઐતિહાસિક ઘટાડો ભારતને આ સ્થાને લઈ ગયો છે.

હોંગકોંગના ઘટાડામાં ફાળો આપતા પરિબળોમાં બેઇજિંગમાં કોવિડ-19 વિરોધી કડક પગલાં, નિયમનકારી ક્રેકડાઉન, પ્રોપર્ટી-સેક્ટર કટોકટી અને પશ્ચિમ સાથે ભૌગોલિક રાજકીય તણાવનો સમાવેશ થાય છે.આનાથી વૈશ્વિક ગ્રોથ એન્જિન તરીકે ચીનનું આકર્ષણ ઘટ્યું છે. ચીન અને હોંગકોંગના સ્ટોક્સે 2021ની ટોચથી અત્યાર સુધીમાં કુલ માર્કેટ વેલ્યુમાં $6 ટ્રિલિયનથી વધુ ગુમાવ્યું છે.

LEAVE A REPLY

nineteen − 7 =