ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનનું ગુરુવારે જયપુર આગમન થયું હતું. મેક્રોનનું રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા, રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સ્વાગત કર્યું હતું. મેક્રોન ભારતના 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. (ANI Photo)

આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોન ગુરુવાર, 25 જાન્યુઆરીએ રાજસ્થાનના જયપુર પહોંચ્યા હતાં. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક હેરિટેજ સ્થળોની મુલાકાત લેશે અને એક રોડ શો પણ કરશે.

ઈમેન્યુઅલ મેક્રોને આમેર ફોર્ટની મુલાકાત લીધી હતી. અહીં એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયપુર પહોંચ્યા હતા. બંને નેતાઓ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ જંતર-મંતરની મુલાકાત લેશે. આ પછી હવા મહેલ ખાતે સ્ટોપઓવર સાથે જંતર-મંતરથી સાંગાનેરી ગેટ સુધીના સંયુક્ત રોડ શોમાં ભાગ લેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે હવા મહેલમાં જયપુરની ખાસ મસાલા ચા ઓફર કરાશે. તેઓ બ્લુ પોટરી અને પ્રખ્યાત જડવાનું કારીગીરી જેવી હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ લઈ શકે છે, જેના માટે તેઓ BHIM UPI મારફત ચૂકવણી કરશે. રામબાગ પેલેસમાં મેક્રોન માટે ખાનગી રાત્રિભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભારત અને ફ્રાન્સની સરકાર ફ્રેન્ચ ફાઇટર જેટ અને સબમરીન માટે અબજો ડોલરના સોદા પર વાટાઘાટો કરી રહ્યાં છે ત્યારે મેક્રોન ભારત આવ્યાં છે. બંને નેતાઓ ભારત દ્વારા 26 રાફેલ ફાઇટર જેટ અને ત્રણ સ્કોર્પિયન સબમરીનની ખરીદી પર ચર્ચા કરશે.

આ મુલાકાત દરમિયાન મોદી અને મેક્રોન વચ્ચે હિન્દ-પેસિફિક ક્ષેત્રમાં સમુદ્રી સહયોગ વધારવા, લાલ સમુદ્રમાં સંકટની સ્થિતિ, ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધ તથા યુક્રેન-રશિયા વચ્ચેના સંઘર્ષ વિશે ચર્ચાવિચારણા થવાની ધારણા છે.
દિલ્હીમાં મેક્રોન કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે જોડાશે. ફ્રાન્સની સૈન્ય ટુકડી પણ આ પ્રજાસત્તાક પરેડમાં ભાગ લઈ રહી છે. આ સાથે ફ્રાન્સની વાયુસેનાના બે રાફેલ ફાઈટર જેટ અને એક એરબસ A330 મલ્ટી રોલ ટેન્કર પરિવહન વિમાન પણ સમારોહમાં ભાગ લેશે. મેક્રોં પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેનારા છઠ્ઠાં ફ્રેન્ચ નેતા હશે. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ડિફેન્સ તથા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અનેક ડીલ થવાની શક્યતા છે

LEAVE A REPLY

20 − 14 =