પોતાના દેશમાં નાણાં મોકલવામાં બિનનિવાસી ભારતીયો સૌથી આગળ હોય છે. આ જ કારણ છે કે લાંબા સમયથી બિનનિવાસી નાગરિકો દ્વારા મોકલવામાં આવતાં નાણાં(રેમિટન્સ)ની બાબતમાં ભારત ટોચે છે. જો કે આ વખતે કોરોના વાઇરસના સંક્રમણની અસર રેમિટન્સ ઉપર પણ પડશે તેવી શક્યતા છે. વર્ષ ૨૦૨૦માં ભારતના રેમિટન્સ ૨૩ ટકા ઓછું આવે તેવી શક્યતા છે.

ચાલુ વર્ષે એનઆરઆઇ ભારતમાં ૬૪ અબજ ડોલરનું રેમિટન્સ મોકલે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એટલે કે ૨૦૧૯માં આ રકમ ૮૩ અબજ ડોલર હતી. ૨૦૧૯માં રેમિટન્સમાં ૬ ટકાનો વધારો નોંધાયો હતો. વિશ્વ બેંક દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વના અર્થતંત્રને અસર થઇ છે. આ જ કારણ છે કે ચાલુ વર્ષે ગ્લોબલ રેમિટન્સમાં ૨૦ ટકાનો ઘટાડો થઇ શકે છે. ભારતના સંદર્ભમાં આ વાત કરવામાં આવે તો રેમિટન્સમાં ૨૩ ટકાના ઘટાડાનો અંદાજ છે. આ ઘટાડો છેલ્લા કેટલાક વર્ષોનો સૌથી મોટો ઘટાડો છે.

જો ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરવામાં આવે તો તેના રેમિટન્સમાં પણ ૨૩ ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. પાકિસ્તાનનું રેમિટન્સ ઘટીને ૧૭ અબજ ડોલર રહેશે. ૨૦૧૯માં વિદેશમાં રહેતા પાકિસ્તાનના લોકોએ ૨૨.૫ અબજ ડોલર પોતાના દેશમાં મોકલ્યા હતાં. બીજી તરફ પાકિસ્તાનમાં ચાલુ વર્ષે ૧૪ અબજ ડોલર રેમિટન્સ આવવાનો અંદાજ છે. જે એક વર્ષ અગાઉની સરખામણીમા ૨૨ ટકા ઓછું છે. આવી જ રીતે નેપાળ અને શ્રીલંકાના રેમિટન્સમાં અનુક્રમે ૧૪ ટકા અને ૧૯ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

વિશ્વ બેંકના અંદાજ મુજબ યુરોપ અને સેન્ટ્રલ એશિયામાં ૨૭.૫ ટકા રેમિટન્સ ઓછું રહેવાનો અંદાજ છે. આવી જ રીતે દક્ષિણ એશિયામાં ૨૨.૧ ટકા, ખાડી અને ઉત્તર આફ્રિકામાં ૧૯.૬ ટકા ઓછું રેમિટન્સ આવશે. આ બાબતમાં લેટિન અમેરિકા અને કેરેબિયનને ૧૯.૩ ટકા નુકસાન થવાનો અંદાજ છે.