(ANI Photo)

ટી-20 વર્લ્ડકપમાં 31 ઓક્ટોબરે યોજાનારી ન્યૂઝિલન્ડ સામેની મેચ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે અને સેમીફાઇનલમાં પ્રવેશ માટે ભારતે આ મેચમાં વિજય મેળવવો જરૂરી છે. ટુર્નામેન્ટની શરુઆત પહેલા ભારત વર્લ્ડકપની જીત માટે દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ પાકિસ્તાન સામેની ભારતની પહેલી મેચમાં ટીમે હારનો સામનો કર્યા બાદ સમીકરણો બદલાયા છે. આ જ રીતે ન્યૂઝીલેન્ડની ટીમે પણ પાકિસ્તાન સામેના પડકારોને ઝીલી ના શકી જેના કારણે બન્ને ટીમો વચ્ચે નોક આઉટ મુકાબલો બની ગયો છે. હવે જે ટીમ હારશે તેના માટે સેમીફાઈનલનો દરવાજો લગભગ બંધ થઈ જશે.

આ ગ્રુપમાં પાકિસ્તાને મજબૂત ગણાતી ત્રણે ટીમો સામે જીત હાંસલ કરીને સેમીફાઈનલ માટે પોતાની જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. હવે પાકિસ્તાને નામિબિયા અને સ્કોટલેન્ડ સામેની મેચમાંથી માત્ર એક જ મેચ જીતવાની જરુર છે. આ ટીમો સામે જીત મેળવી પાકિસ્તાન માટે ઘણી જ સરળ રહેશે. આવામાં ભારત અને ન્યૂઝીલેન્ડમાંથી જે જીતશે તે બીજા સ્થાન પર રહેશે.

જો આજે ન્યૂઝીલેન્ડ મેચ જીતી ગયું તો પછી ભારત એવી આશા કરશે કે ન્યૂઝીલેન્ડની આગામી મેચમાં કંઈક નવા જૂની થાય. એ સિવાય ભારતે નબળી ટીમો સામે ઊંચા માર્જિન સાથે જીત હાંસલ કરવી પડશે. આવામાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ સરખા અંક પ્રાપ્ત કરશે અને સારી રનરેટવાળી ટીમ અંતિમ ચારમાં સ્થાન મેળવી શકશે.

ભારતની ટીમ કયા કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરે છે તે જોવાનું રહ્યું. હાર્દિક પંડ્યાની ફિટનેસ પર કોહલીએ જવાબ આપ્યો છે કે તે ફિટ છે. એવામાં સવાલ એ થાય છે કે હાર્દિક પંડ્યા બોલિંગ કરી શકશે કે નહીં. ભારતીય ટીમ માટે છઠ્ઠો બોલર શોધવો પડકારજનક છે અને કોહલીએ આ શોધ કરવી જરુરી છે.ભુવી કે અશ્વિનઃ ભુવનેશ્વર કુમાર એક અનુભવી બોલર છે અને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ બોલર છે. પરંતુ ઈન્જરી પછી ભુવનેશ્વર કુમાર હજુ પણ પોતાની લય હાંસલ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. જે પ્રેક્ટિસ મેચ અને પાકિસ્તાન સામેની મેચમાં બેઅસર જોવા મળ્યું. બીજી તરફ ન્યૂઝીલેન્ડ માટે સ્પીનરોનો સામનો કરવું મુશ્કેલ છે, એવામાં અશ્વિનથી ટીમને ફાયદો થઈ શકે છે.