વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદે સોમવારે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે સમજૂતીઓની આપ-લે કરી હતી. (ANI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદે સોમવારે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી તથા ઊર્જા સુરક્ષા, વેપાર અને રોકાણ, સંરક્ષણ, આરોગ્યસંભાળ અને ખાદ્ય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચાવિચારણા કરી હતી.

ક્રાઉન પ્રિન્સ ત્રણ દિવસની ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની પ્રથમ બેઠક દરમિયાન, PM મોદી અને ક્રાઉન પ્રિન્સે થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

શરૂઆતની ટિપ્પણીમાં પીએમ મોદીએ કહ્યું: “ભારત માટે, સાઉદી અરેબિયા તેના સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારો પૈકીનું એક છે. વિશ્વની બે મોટી અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે અમારો પરસ્પર સહયોગ સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. અમારી વાટાઘાટોમાં, અમે અમારી ભાગીદારીને આગલા સ્તર પર લઈ જવા માટે ઘણી પહેલોની ઓળખ કરી છે. આજની વાતચીત આપણા સંબંધોને નવી ઉર્જા અને દિશા પ્રદાન કરશે. આનાથી અમને માનવતાના કલ્યાણ માટે સાથે મળીને કામ કરવાની પ્રેરણા મળશે. અમે આર્થિક કોરિડોરની સ્થાપના માટે ઐતિહાસિક શરૂઆત કરી છે.

રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વાગત બાદ, ક્રાઉન પ્રિન્સે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને મેગા ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ શિપિંગ એન્ડ રેલ્વે કનેક્ટિવિટી કોરિડોર શરૂ કરવાના ઐતિહાસિક કરાર પર ભારતને અભિનંદન આપ્યાં હતા.
પીએમ મોદીએ કહ્યું કે મેગા-ડીલ સમગ્ર વિશ્વમાં કનેક્ટિવિટીને ટકાઉ દિશા આપશે. તે આ પ્રદેશો વચ્ચે આર્થિક વૃદ્ધિ અને ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે આર્થિક ક્ષેત્રમાં સહકાર સમગ્ર ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે.ભારતને મધ્ય પૂર્વ અને યુરોપ સાથે જોડતા કોરોડોરને નિષ્ણાતો “ગેમ-ચેન્જર” ગણે છે. કનેક્ટિવિટી કોરિડોરને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)ના હરીફ તરીકે જોવામાં આવે છે.

LEAVE A REPLY

13 − twelve =