ભારતીય સેનાએ 6-7 મેની મોડી રાત્રે પાકિસ્તાનમાં આવેલા નવ ત્રાસવાદી કેમ્પો પર મોટા હુમલા કરીને તેમને નષ્ટ કર્યા હતા. સેનાના ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત આ મિસાઇલ હુમલા કર્યા પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે અને ભારતમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. આ કારણે, ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઓછામાં ઓછા 18 એરપોર્ટને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા હતા. આ બંધ કરાયેલા એરપોર્ટમાં શ્રીનગર, જમ્મુ, લેહ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, જોધપુર, જેસલમેર, શિમલા, ધર્મશાલા અને જામનગરનો સમાવેશ થાય છે. આ હુમલા પછી ફ્લાઇટના સંચાલન પર ભારે અસર પડી હતી. અત્યાર સુધીમાં ભારતમાં 200થી વધુ ફ્લાઇટ્સ રદ્ કરવામાં આવી હતી. ઇન્ડિગોએ 165 ફ્લાઇટ્સ રદ કરી હતી. દિલ્હી એરપોર્ટથી 35થી વધુ ફ્લાઇટ્સ (23 ડીપાર્ચર, 8 અરાઇવલ અને 4 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ) પણ રદ્ કરવામાં આવી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇન્ડિગો એરલાઇન્સે મંગળવારે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધર્મશાળા, બિકાનેર અને જોધપુરની તમામ ફ્લાઇટ્સ રદ્ કરી છે. આ માહિતી આપતાં, એરલાઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને કહ્યું કે દેશભરમાં ફ્લાઇટ શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે.
એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, એર ઇન્ડિયાએ 10 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટની ફ્લાઇટ્સ રદ કરી છે. મુસાફરોએ ટિકિટ રદ કરવા અથવા ફરીથી શેડ્યૂલ કરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
જ્યારે કતાર એરવેઝે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે પાકિસ્તાન જતી ફ્લાઇટ્સ હંગામી સમય માટે બંધ કરી છે.

 

LEAVE A REPLY