બ્રિટનની સેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશન સિસ્ટમ મારફત 2021માં ભારતના વિક્રમજનક 3,200 વિદ્યાર્થીઓને યુકેની યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણના કોર્સમાં પ્રવેશ મળ્યો છે. આ સંખ્યા અગાઉના વર્ષ કરતાં 19 ટકાનો વધારો દર્શાવે છે.

ભારતને બ્રિટનના રેડ લિસ્ટમાંથી એમ્બર લિસ્ટમાં મૂકીને ટ્રાવેલ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા બાદ ગુરુવારે યુનિવર્સિટીઝ એન્ડ કોલેજ એડમિશન સર્વિસ (UCAS)એ આ ડેટા જારી કર્યા હતા.

ટ્રાવેલ નિયંત્રણો હળવા કરવામાં આવતા ભારતના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બ્રિટન જવામાં સરળતા રહેશે, કારણ કે હવે ઊંચો વધારાનો ખર્ચ કરીને 10 દિવસ સુધી સરકાર સંચાલિત ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન થવું પડશે નહીં. આની જગ્યાએ વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના સ્થળે 10 દિવસ ક્વોરેન્ટાઇન થઈ શકે છે.

140 યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠન યુનિવર્સિટી યુકે ઇન્ટરનેશનલના ડિરેક્ટર વિવિયન સ્ટર્ને જણાવ્યું હતું કે ભારતને રેડમાંથી એમ્બર લિસ્ટમાં ખસેડવાનો નિર્ણય ટૂંક સમયમાં યુકેનો પ્રવાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે આવકાર્ય પગલું છે. આ વિદ્યાર્થીઓએ તેમની યુનિવર્સિટીના સંપર્કમાં રહેવું જોઇએ અને સરળ પ્રવાસ માટે એમ્બર લિસ્ટ આગમન માટેની તાજી પ્રક્રિયાની માહિતી મેળવવી જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે યુકેની યુનિવર્સિટી ભારતના વિદ્યાર્થીઓનું ભાવભર્યું સ્વાગત કરવા તૈયારી કરી રહી છે. વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસની યોજનાને વળગી રહેવામાં અખૂટ ધીરજ દર્શાવી છે અને અમે તેમને આવકારવા માટે આતુર છીએ.

નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) યુકેએ રેડ લિસ્ટના નિયંત્રણોને કારણે ભારતના વિદ્યાર્થીઓને હોટેલમાં ફરજિયાત ક્વોરેન્ટાઇનના થતાં વધારાના 1,750 પાઉન્ડના મુદ્દાને ઉઠાવ્યો હતો. તેનાથી સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ આદાર પૂનાવાલાએ ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવા રૂા.10 કરોડની જોગવાઈ કરી હતી.