ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ, ટેક્સટાઈલ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે સુરતમાં વેપાર અને ઉદ્યોગના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ યોજ્યો હતો. ધી સધર્ન ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત આ ઈન્ટરએક્ટિવ સેશનમાં તેમણે વેપાર અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓની રજૂઆતોને ધ્યાનથી સાંભળીને સરળીકરણ અને વધારે સુગમતા માટેના પ્રયાસોની ખાતરી આપી હતી. ગોયલે ઉદ્યોગકારોને સરકારની યોજનાઓનો લાભ લેવા, ખાસ કરીને પીએલઆઇ યોજનાનો લાભ લઈને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા હાકલ કરી હતી. સુરતના કાપડ ઉદ્યોગને 40-50 કિમી દૂર જવાનું સૂચન કરતા તેમણે કહ્યું કે પીએલઆઇમાં ટાયર થ્રી શહેરો અને ગ્રામીણ વિસ્તારોને અગ્રતા આપવામાં આવી છે. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે આપણે ટેક્સટાઈલની 100 બિલિયન ડૉલરની નિકાસના અને 150 બિલિયન ડૉલરના આઉટપુટ વેલ્યુ લક્ષ્યાંકને હાંસલ કરી શકીશું અને સુરતનું એમાં મોટું યોગદાન રહેશે. સુરતમાં ટેક્સટાઈલ પાર્ક બને તો એમના માટે આનંદની વાત હશે.