કોરોના કાળમાં ગરીબોને અનેક પ્રકારની મદદ કરનાર બોલીવૂડ અભિનેતા સોનુ સૂદે રૂ. 20 કરોડની ઇન્કમટેક્સની ચોરી કરી હોવાનો આરોપ ઇન્કમટેક્સ વિભાગે મૂક્યો છે. થોડા દિવસ પહેલા વિભાગે સોનૂના ઘર અને ઓફિસ સહિતના સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. બે-ત્રણ દિવસ સુધી દરોડાની કાર્યવાહી ચાલ્યા બાદ વિભાગે શનિવારે જણાવ્યું હતું કે સૂદે રૂ. 20 કરોડથી વધુની ટેક્સ ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સોનુ સૂદે ફોરેન કરન્સી રેગ્યુલેશન એક્ટના ભંગ ઉપરાંત તેના સહયોગીઓ દ્વારા રૂ. 20 કરોડથી વધુની ટેક્સની ચોરી કરાઈ હોવાનું જણાયું પડ્યું છે. વિભાગ દ્વારા શુક્રવારે તેના મુંબઈ, નાગપુર અને જયપુરના કેટલાક સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
વિભાગને સોનુ સૂદ ચેરિટી ફાઉન્ડેશનમાં પણ વિદેશમાંથી આર્થિક મદદ મેળવવામાં કાયદાનું ઉલ્લંઘન થયું હોવાનું જણાયું હતું. સીબીડીટીના મતે 1 એપ્રિલ 2021થી અત્યાર સુધીમાં આ સંસ્થાએ રૂ. 18.94 કરોડનું દાન મેળવ્યું હતું. આ પૈકી વિવિધ રાહત કાર્યો પાછળ રૂ. 1.9 કરોડ ખર્ચ કરાયા છે જ્યારે બાકીના રૂ. 17 કરોડ બેન્ક ખાતામાં પડી રહ્યા છે. ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ પર એફસીઆરએ નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશી દાતાઓ પાસેથી પણ રૂ. 2.1 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.