(ANI Photo/ Sanjay Sharma)

ભારતના વડાપ્રધાન અને બ્રિટનના વડાપ્રધાન ભારત-યુકે વચ્ચે નવી અને વિસ્તૃત ડીફેન્સ ભાગીદારી માટે સંમત થયા હતા અને ચાલુ વર્ષના અંત સુધીમાં મહત્ત્વકાંક્ષી મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મોદી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં જોન્સને જણાવ્યું હતું કે અમે સંરક્ષણ અને સુરક્ષામાં નવી અને વિસ્તૃત ભાગીદારી માટે સહમત થયા છીએ. આ દાયકાઓ જૂની પ્રતિબદ્ધતા છે, જે માત્ર બંને વચ્ચે સંબંધોને મજબૂત નહીં બનાવે, પરંતુ મેઇક-ઇન-ઇન્ડિયા પ્રોગ્રામને સપોર્ટ કરશે. જોન્સને જણાવ્યું હતું કે બંને દેશો આ વર્ષના અંત સુધીમાં મુક્ત વેપાર સમજૂતીને આખરી ઓપ આપશે. અમે અમારા મંત્રણાકારોને ઓક્ટોબરમાં દિવાળી સુધી પૂરી કરવા કહી રહ્યાં છીએ. આનાથી આ દાયકાના અંત સુધીમાં અમારો વેપાર અને રોકાણ બમણું થઈ શકે છે.

મોદીએ જણાવ્યું હતું કે એફટીએ અંગેની મંત્રણામાં સારી પ્રગતિ થઈ છે. બંને પક્ષોએ આ વર્ષના અંત સુધીમાં સમજૂતી પર હસ્તાક્ષર કરવા શ્રેષ્ઠ પ્રયાસો કરવાનો નિર્ણય કર્યો છે. અમે ભારતમાં ચાલી રહેલા વ્યાપક આર્થિક સુધારા, અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડર્નાઇઝેશન પ્લાન અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંગે પણ ચર્ચા કરી. અમે ભારતમાં વધી રહેલા UKની કંપનીઓના રોકાણનું સ્વાગત કરીએ છીએ.

ભારતની ડિફેન્સ ખરીદીના ડિવિલરી સમયમાં ઘટાડો કરવા બ્રિટન ઓપન જનરલ એક્સપોર્ટ લાઇસન્સ જારી કરશે
જોન્સને જણાવ્યું હતું કે ભારતને તેના પોતાના ફાઇટર જેટનું ઉત્પાદન કરવાના હેતુમાં બ્રિટન મદદ કરશે. ભારતને મિલિટરી ઇક્વિપમેન્ટની મોંઘી આયાત ઘટાડવામાં પણ મદદ કરશે. ભારત પાસે હવે રશિયા, બ્રિટન અને ફ્રાન્સના ફાઇટર જેટનું મિશ્રણ હશે.