(istockphoto.com)

અમેરિકામાં સોમવારે (ત્રીજી જાન્યુઆરી) એક મિલિયન (10 લાખ) થી વધુ લોકો કોરોનાગ્રસ્ત હોવાનું નિદાન થયું હતું, જે વિશ્વના કોઈપણ દેશ માટે એક દિવસમાં નવા દર્દીઓની સંખ્યાનો એક નવો રેકોર્ડ બની રહ્યો છે. હજી ચાર દિવસ પહેલા જ અમેરિકાએ એક દિવસમાં 590,000 દર્દીઓનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. એ રેકોર્ડ અગાઉના વીકના આંકડા કરતાં ડબલનો હતો અને સોમવારનો આંકડો ગયા વીકના રેકોર્ડ કરતાં ડબલની ખૂબજ નજીકનો રહ્યો હતો.

અમેરિકા સિવાય વિશ્વમાં કોઈ અન્ય દેશનો એક જ દિવસમાં નવા દર્દીઓનો રેકોર્ડ 414,000નો 7 મે, 2021ના રોજનો હતો.જો કે રાહતની વાત એ છે કે, નવા દર્દીઓની સ્થિતિ ગંભીર બનવાનું પ્રમાણ ઘણું ઓછું છે તેમજ હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ પણ મોટા ભાગના કેસમાં ઉભી થતી નથી.

હોસ્પિટલમાં દાખલ દર્દીઓની પણ રેકોર્ડ સંખ્યાઃ અમેરિકામાં કોરોનાથી પિડિત, હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો આંકડો પણ એક લાખથી વધુનો થયો છે, જે ચાર મહિનાનો રેકોર્ડ છે. અમેરિકાના આરોગ્ય અને માનવ સેવાઓના વિભાગની તાજા માહિતી મુજબ દેશમાં કોરોનાના હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યાનો રેકોર્ડ 142,000 નો – લગભગ એક વર્ષ પહેલા, 14 જાન્યુઆરી 2021ના રોજનો હતો. અને એક લાખથી વધુ લોકો હોસ્પિટલમાં હોય તેવી છેલ્લી સ્થિતિ 11 સપ્ટેમ્બર, 2021ના રોજની હતી. સમગ્ર રોગચાળા દરમિયાન એવા ફક્ત 67 દિવસ હતા કે જ્યારે દેશમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા એક લાખથી વધુની હતી.

તાજા સ્થિતિ મુજબ સમગ્ર અમેરિકામાં પ્રાપ્ય હોસ્પિટલ બેડ્સમાંથી લગભગ 75 ટકા ભરાઈ ગઈ છે. હાલમાં એક લાખ જેટલા દર્દીઓમાંથી 18,500થી વધુ આઈસીયુમાં છે. હોસ્પિટલમાં દાખલ સૌથી વધુ દર્દીઓમાં ન્યૂ જર્સી, ઓહાયો અને ડેલાવેર મોખરે છે, તો અલાસ્કા અને વ્યોમિંગમાં સૌથી ઓછા છે. હોસ્પિટલમાં દાખલ બાળ દર્દીઓની સંખ્યા ઐતિહાસિક રીતે વધુ છે. ગયા વીકમાં (31 ડીસેમ્બરે પુરા થયેલા) દરરોજ 500થી વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

સ્નોસ્ટોર્મે અમેરિકાની મુશ્કેલીઓ વધારીઃ ટ્રાફિક મંથર ગતિએ, ફલાઈટ્સ રદ

અમેરિકામાં ક્રિસમસના વીકએન્ડમાં કોરોના વાઈરસના કેસોમાં રેકોર્ડ વધારાના પગલે તેમજ તેના કારણે મોટી સંખ્યામાં ફલાઈટ્સ રદ કરાયાના પગલે પ્રવાસીઓની અવરજવરને અવળી અસર થયા પછી સોમવારે (3 જાન્યુઆરી) એક શક્તિશાળી સ્નોસ્ટોર્મે નવી આફત ઉભી કરતાં દેશનું પાટનગર વોશિંગ્ટન જાણે થંભી જ ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ હતી, તો ખરાબ હવામાનના કારણે પણ સંખ્યાબંધ ફલાઈટ્સ રદ કરવી પડી હતી. વોશિંગ્ટનમાં 9 ઈંચ (23 સે.મિ.) જેટલી બરફ વર્ષા થતાં પ્રેસિડેન્ટ બાઈડેનનું એર ફોર્સ વન વિમાન પણ કામચલાઉ રીતે અટવાઈ ગયું હતું.

2022ના કામકાજના પહેલા જ દિવસે, સોમવારે 4900થી વધુ ફલાઈટ્સ વિશ્વભરમાં રદ કરાઈ હતી, જેમાંથી અમેરિકાની સંખ્યા 3,173ની હતી, તો 6,775 ફલાઈટ્સ મોડી પડી હતી.

સ્નોસ્ટોર્મ – ખરાબ હવામાનની સૌથી વધુ અસર અમેરિકાના મિડ એટલાંટિક વિસ્તારમાં, વોશિંગ્ટન, મેરીલેન્ડ તથા વર્જીનીઆમાં થઈ હતી. બાઈડેનના વિમાનનું લેન્ડિંગ થઈ ગયા પછી રન-વે સાફ કરવામાં આવે ત્યાં સુધી – લગભગ અડધો કલાક પ્રેસિડેન્ટે વિમાનમાં જ બેસી રહેવું પડ્યું હતું.આ વિસ્તારોમાં સ્નોના કારણે સ્કૂલ્સ પણ બંધ રાખવાની ફરજ પડી હતી.