અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ ભારત સાથે એક મોટો વેપાર સોદો કરવા ઈચ્છે છે અને આ સોદો તેઓ હાલની ભારત યાત્રા દરમિયાન નહીં કરે પરંતુ તેને આગળના સમય માટે બચાવી રાખવા માંગે છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, હાલમાં એ નક્કી નથી કે આ મોટો વેપાર સોદો યુએસના પ્રેસિડેન્ટ ઈલેક્શન પૂર્વે જાહેર કરાશે કે કેમ.

ટ્રમ્પના આ નિવેદન પરથી એવું માનવામાં આવે છે કે આગામી સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં વેપાર સંબંધિત કોઈ દ્વીપક્ષીય સમજૂતિ નહીં થાય. જો કે કેટલાક રિપોર્ટ મુજબ ટ્રમ્પ ભારતને એક સાધારણ ટ્રેડ પેકેજ માટે સહમત થઈ શકે છે.

24 ફેબ્રુઆરીના યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેમણે આ અગાઉ એક મહત્વનું નિવેદન કરતા જણાવ્યું કે, ‘અમે ભારત સાથે વેપાર સમજૂતિ કરી શકીએ છે, જો કે મોટો વેપાર સોદો ભવિષ્યમાં કરવામાં આવશે.’ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું છે શું તેઓ ભારત મુલાકાત અગાઉ વેપાર ક્ષેત્રે કોઈ સમજૂતિ કરશે, તો તેમણે કહ્યું કે ભારત સાથે મોટો વેપાર સોદો થશે, અમે જરૂરથી તે કરીશું. પરંતુ એ નક્કી નથી કે રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ તે થઈ શકશે કે નહીં.

ભારત સાથએ વેપાર સમજૂતિ નિર્ધારિત કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહેલા અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ડ લાઈટહાઈઝર પણ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન તેમની સાથે હશે. અધિકારીઓના મતે ટ્રમ્પની મુલાકાત દરમિયાન ટ્રેડ ડીલની સંભાવના સંપૂર્ણ રીતે સમાપ્ત નથઈ થઈ.

ટ્રમ્પે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તે ભારત સાથે શ્રેષ્ઠ વેપાર સમજૂતી કરશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભારત અમેરિકા સાથે વેપારમાં સારો વ્યવહાર નથી કરતું. ટ્રમ્પે વડાપ્રધાન મોદીને સારા મિત્ર ગણાવ્યા હતા અને તેમના વખાણ કર્યા હતા.