સીઆરા પછી બીજા સપ્તાહે ડેનિસ વાવાઝોડું ત્રાટકતા યુકેના વિવિધ વિસ્તારોમાં 90 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા અને પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે તો એક વ્યક્તિ હજૂ ગૂમ છે. વાવાઝોડાના કારણે યુકેના મોટા ભાગના વિસ્તારોમાં પૂર આવ્યું હતું અને હજારો લોકોને તેમના ઘર ખાલી કરવા ફરજ પડી હતી. માત્ર બે દિવસમાં બ્રિટનનો એક મહિનાનો વરસાદ પડતા ઠેરઠેર તબાહી નજરે પડતી હતી અને જાણે કે ચારે કોર વિનાશ સર્જાયો છે.

ભારે પૂર અને વાવાઝોડા સામે બચાવ કામગીગરી કરવા આર્મીની મદદ લેવાઇ હતી. ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું હતુ કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પૂર વિશે “નિયમિત અપડેટ્સ” પ્રાપ્ત કરી રહ્યા છે. જો કે શેડો એન્વાયર્નમેન્ટ સેક્રેટરી લ્યુક પોલાર્ડે કહ્યું હતુ કે જ્હોન્સને પૂર અસરગ્રસ્તોની મુલાકાત લીધી નહીં તે ખૂબ ખરાબ બાબત છે. અસરગ્રસ્ત વિસ્તારો માટે સરકારે કટોકટી ભંડોળ યોજના શરૂ કરી છે, જેમાં નોટિંગહામશાયર, લેસ્ટરશાયર, ડર્બીશાયર, શ્રોપશાયર, ટેલફર્ડ અને રેકિન, વૉસ્ટરશાયર અને હેરફોર્ડશાયરના કેટલાક વિસ્તારો સામેલ છે.

રવિવારે ડેનિસ વાવાઝોડા દરમિયાન સ્કોટલેન્ડના ફોર્ટ વિલિયમ નજીકના સ્ટોબ બેન તરફ જવાના માર્ગે 42 વર્ષની એક વ્યક્તિ લગભગ 98 ફૂટ ઉંડી ખાઇમાં પડી જતા તેનુ મરણ થયુ હતુ. તેમનો મૃતદેહ માઉન્ટેઇન રેસ્ક્યુ વોલંટીયર્સને મળી આવ્યો હતો. જોકે તે માટે તેમણે 50 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને પડકારજનક પરિસ્થિતિઓમાં છ કલાક મહેનત કરવી પડી હતી.

શનિવારે તા. 15ના રોજ મારગેટ હાર્બર પર ફ્યુઅલ ટેન્કર પરથી પડી જતી એક વ્યક્તિનુ મરણ થયુ હતુ. જ્યારે એક કિશોર કેન્ટના હર્ન બે નજીક દરિયામાં ગૂમ થયો હતો. સાઉથ વેલ્સના યસ્ટ્રાડગિનેલીસમાં તાવે નદીમાં પડ્યા બાદ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જે પાછળથી તેબેનોસ વિસ્તારમાં નદી કિનારેથી મૃત મળી આવ્યો હતો.

વેસ્ટ મર્સીયા પોલીસે જણાવ્યું હતુ કે બર્મિંગહામની ઇવાન બૂથ નામના 55 વર્ષની મહિલાની લાશ મળી આવી છે. પૂરના પાણીમાં તેની કાર ટેનબરી વેલ્સ પાસે અટવાઈ ગઈ હતી. તેના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે: “ઇવાન અમારા પરિવારની ખૂબ જ પ્રિય સભ્ય છે અને અમે બધા આ સમાચારથી હચમચી ગયા છીએ.” ઇવાન બૂથના પતિનું અગાઉ મરણ થયુ હતુ. બીબીસીના અહેવાલ મુજબ વેસ્ટ મિડલેન્ડ્સ એમ્બ્યુલન્સ સર્વિસે જણાવ્યું હતું કે ઇસ્ટહામ બ્રિજ નજીક બે લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા હોવાના અહેવાલો મળ્યા હતા. એક મહિલા ગાયબ થઈ ગઈ હતી. જ્યારે તેની નજીકથી બચાવી લેવામાં આવેલા એક વ્યક્તિને એરલિફ્ટ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સસેક્સ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 20ના દાયકાની એક યુવતી બ્રાઇટનના કિંગ્સ રોડની સામે દરીયા કિનારે અચાનક જ પાણીમાં પ્રવેશી હતી જેને વિશાળ દરીયાઇ મોજુ તાણી ગયુ હતુ. તા. 16ની સવારે 2.45 વાગ્યે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પણ તે મળી નથી.

હેરફોર્ડમાં ડેનિસ વાવાઝોડા પછી પૂરના પાણીથી છલકાતી શેરીઓમાં ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓએ લોકોને બચાવવા પડ્યા હતા. પગની ઘૂંટીમા ઇજા પામેલા એક વ્યક્તિને બચાવી લેવા એસીંગટોનની નજીક શિપર્સિયા બે ખાતે કોસ્ટગાર્ડનુ બચાવ હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યુ હતુ. વૉસ્ટરશાયરના ટેનબરી વેલ્સમાં પૂરના પાણીમાં એક કાર ડૂબી ગઇ હતી. તો નદીમાંથી પૂરના પાણીમાં લિન્ડ્રિજ, વૉસ્ટરશાયર ખાતે એ443 પર એક કોચ ડૂબી ગયો હતો. નદીના સ્તરમાં સતત વધારો થતો હોવાથી વૉસ્ટરશાયર અને હેરફર્ડશાયરમાં વ્યાપક પ્રમાણમાં સ્થળાંતર કરાવાયું હતું.

લડલો, શ્રોપશાયરમાં ઓછામાં ઓછા 30 ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ટેમ નદી 2007માં નોંધાયેલા ઉચ્ચતમ સ્તરની નજીક પહોંચી ગઇ હતી. ટેનબરીમાં આશરે 130 જેટલા ઘરો રાતોરાત ખાલી કરાવાયા હતા. વેસ્ટ મિડલેન્ડ્સના આશરે 270 જેટલા લોકો સાથે યુકેમાં લગભગ 420 ઘરમાં પૂરના કારણે પાણી ભરાઇ ગયા હતા. વૉસ્ટરશાયરમાં આશરે 200 જેટલા ઘરોને પૂરની અસર થઇ હતી.

બ્રિટનની સરકારી હવામાન એજન્સીએ સાઉથ વેલ્સ માટે જવલ્લે જ અપાતી રેડ વોર્નિંગ જાહેર કરી હતી અને કહ્યું હતું કે “પૂરથી નોંધપાત્ર અસરો” થવાનું જોખમ છે. રવિવારે સ્કોટલેન્ડની રીવર ટિવ્ડથી લઇને સાઉથવેસ્ટ ઇંગ્લેંડના કોર્નવોલ સુધીના વિસ્તારો માટે પૂરની રેકોર્ડ 594 ચેતવણીઓ આપવામાં આવી હતી. સાઉથ વેલ્સના એબરડેરોનમાં કલાકે 90 માઇલ (150 કિલોમીટર)થી વધુ ઝડપે પવન ફૂંકાયો હતો. ધોધમાર વરસાદ અને પવનને કારણે રસ્તાઓ અને રેલવે ખરાબ રીતે અસરગ્રસ્ત થયા હતા. બ્રિટિશ એરવેઝ અને ઇઝિ જેટે કેટલીક ફ્લાઇટ્સ રદ કરી હતી.

ગયા સપ્તાહના સ્ટોર્મ સીઆરાના કારણે પૂરથી ખરાબ રીતે અસરગ્રસ્ત થયેલા વેસ્ટ યોર્કશાયરમાં સંરક્ષણ મંત્રાલયે સૈન્ય તૈનાત કર્યુ હતુ. ડીફેન્સ મિનિસ્ટર બેન વૉલેસે કહ્યું હતુ કે જરૂર પડશે ત્યારે અમારા સશસ્ત્ર દળો સ્થાનિક સત્તાવાળાઓ અને સમુદાયોને મદદ કરવા હંમેશાં તત્પર રહે છે.સ્ટોર્મ ડેનિસ પછી પૂરના કારણે લેસ્ટરશાયરના રસ્તાઓ બંધ થયા હતા. રવિવારે, વાવાઝોડાના કારણે લેસ્ટર અને લેસ્ટરશાયરશાયરના ત્રણ ભાગોમાં પાવર કટને કારણે 100થી વધુ ઘરો અને બિઝનેસીઝ પાવર વગર રહ્યા હતા. લેસ્ટરના સ્ટોનીગેટ સ્થિત આલ્બર્ટ રોડની ટિફની કોર્ટ્સ એપાર્ટમેન્ટની છતનો એક ભાગ તૂટી પડતા કેટલાક રહેવાસીઓએ ઘર ખાલી કરવુ પડ્યુ હતુ.

સોમવારે તા. 17ના રોજ પણ હેરફોર્ડમાં તેમના પૂરગ્રસ્ત ઘરોમાંથી લોકોને બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૉસ્ટરશાયરના કેટલાક ભાગોમાં સેવરન નદી કાંઠા તોડીને વહેતી હોવાથી રહેવાસીઓને સલાહ આપવામાં આવી હતી કે તેઓ પોતાના ઘર છોડી દે. સોમવારે સાંજે ઇંગ્લેન્ડમાં સાત ગંભીર ચેતવણીઓમાંથી બે અકિંગહોલ અને અપ્ટોન અપોન સેવરનના રહેવાસીઓને અપાઇ હતી અને તેમને ઘર ખાલી કરવા સલાહ આપવામાં આવી હતી. તે જ રીતે સોમવારે રાત્રે વેલ્સના મોનમાઉથ ખાતે રીવર વાઈ માટે બે ગંભીર ચેતવણીઓ આપવામાં આવી હતી અને મકાનો ખાલી કરાવાયા હતા. પર્યાવરણ એજન્સીએ જણાવ્યું હતું કે વાવાઝોડા અને મુશળધાર વરસાદ પછી 480થી વધુ સંપત્તિ પૂરગ્રસ્ત થઇ ગઈ હતી.

કાર્ડિફ નજીક, નાન્ટગરમાં 100થી વધુ ઘરોમાં પૂરના પાણી ભરાઇ ગયા હતા અને પૂર તથા ભૂસ્ખલનથી અનેક શાળાઓ બંધ કરવામાં આવી છે, રસ્તાઓ અવરોધાયા હતા. સાઉથ વેલ્સ વેલીમાં સપ્તાહના અંતમાં 40 વર્ષથી વધુ સમયગાળા દરમિયાન સૌથી વધુ પાણીનું સ્તર થયું હતુ. ફ્લાઇટ્સ અને ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી હતી અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને જેમણે પોતાનું ઘર છોડવું પડ્યું હતુ તેવા લોકો માટે ઈમરજન્સી કેન્દ્રો ખોલાયા હતા.

આ વાવાઝોડાએ ફ્રાન્સના મોટાભાગના વિસ્તારોમાં પણ તબાહી મચાવી દીધી હતી અને નોર્થ-વેસ્ટ ફ્રાન્સમાં લગભગ 60,000 લોકો પાવર કટનો ભોગ બન્યા હતા, રેલવે ટ્રાફિક ખોરવાયો હતો. આ વાવાઝોડાથી બે હાઈ-સ્પીડ ટીજીવી ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી. રવિવારે સમગ્ર જર્મની, ડેનમાર્ક અને દક્ષિણ સ્વીડનમાં પવન ફૂંકાયો હતો.