ભારતમાં કોરોના વાઇરસની બીજો તબક્કો ખૂબ ધીમો પડી રહ્યો છે, જોકે કેટલાક રાજ્યો એવા પણ છે જ્યાં કોરોનાના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. સાથે જ 21મી જૂનથી દેશમાં કોરોના રસીકરણ ઝુંબેશ પણ ઝડપી બની ગયું છે. અત્યાર સુધીમાં દેશના 34 કરોડ કરતા વધારે લોકોને વેક્સિન અપાઈ ચુકી છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં કોરોનાના રોજિંદા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ત્યાં કોરોના પ્રતિબંધોમાં પણ છૂટછાટો આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેર ભલે ધીમી પડી ગઈ હોય પરંતુ ત્રીજી સંભવિત લહેરની આશંકા ચિંતાનો વિષય છે.
પીજીઆઈ ચંદીગઢ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે દેશમાં વેક્સિનના બંને ડોઝ લઈ ચુકેલા લોકોમાં મૃત્યુનું જોખમ 98 ટકા જેટલું ઘટ્યું છે. જ્યારે વેક્સિનનો એક ડોઝ લેનારા લોકોમાં મૃત્યુનું જોખમ 92 ટકા ઘટ્યું છે. નીતિ આયોગના સદસ્ય ડો. વી. કે. પૉલ દ્વારા આ રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સરકાર દ્વારા સતત વેક્સિનેશનની પ્રક્રિયા પર જોર આપવામાં આવી રહ્યું છે. તે સિવાય દેશમાં હજુ પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અનેક કેસ સામે આવી રહ્યા છે. જોકે ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિન ડેલ્ટા પ્લસ વેરિએન્ટ સામે 78 ટકા અસરકારક છે.
દેશમાં અત્યાર સુધીમાં 4 લાખ કરતા વધારે લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં કોવિડથી મરનારા લોકોની સંખ્યા 4 લાખને પાર કરી ગઈ છે.