ભારત સરકારની નિષ્ણાત સમિતિએ એસ્ટ્રેઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોવિડ-19 વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને શુક્રવારે મંજૂરી આપી હતી. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આ વેક્સિનનું ઉત્પાદન કરે છે અને તેનું નામ કોવિશીલ્ડ છે. હવે આ વેક્સિનને મંજૂરી અંગેનો અંતિમ નિર્ણય નિયમનકારી સંસ્થા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) કરશે.

ઓક્સફોર્ડ વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે અત્યાર સુધી બ્રિટન અને આર્જેન્ટિનાએ મંજૂરી આપી છે અને હવે ભારત ત્રીજો દેશ બન્યો છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે અગાઉથી પાંચ મિલિયન ડોઝ તૈયાર કરી દીધા છે.

દિલ્હી સરકાર સાથે વિડિયો-કોન્ફરન્સ દ્વારા થઈ રહેલી બેઠકમાં ભારતના આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં વેક્સિન લગાવવાની તૈયારી પૂરી થઈ ચુકી છે. જે લોકોને પહેલા વેક્સિન આપવાની છે તેમની યાદી તૈયાર છે. સરકાર આ જ મહિને વેક્સિનેશન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. 2 જાન્યુઆરીએ આખા દેશમાં વેક્સિનનો ડ્રાય રન કરાશે. સરકારે આગામી છથી આઠ મહિનામાં 30 કરોડ લોકોને વેક્સિન લગાડવાની યોજના બનાવી છે.

આ પહેલાં ગુરુવારે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ડો. વીજી સોમાનીએ કહ્યું હતું કે નવું વર્ષ આપણા માટે હેપી હશે, કારણ કે ત્યારે આપણા હાથમાં કંઈક હશે, આથી માનવામાં આવી રહ્યું છે કે ઝડપથી કોઈ વેક્સિનને અપ્રૂવલ મળી શકે છે. ભારત અમેરિકા પછી કોરોનાથી પ્રભાવિત દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક અને ફાઈઝરે ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી માટે અરજી કરી હતી. ભારત બાયોટેકે કોવેક્સિન વેક્સિન વિકસાવવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR) સાથે ભાગીદારી કરી છે. આ બંને ગ્રૂપે બુધવારે નિષ્ણાત સમિતિ સમક્ષ તેના ડેટા રજૂ કર્યા હતા. ફાઇઝરે તેના ડેટા સુપરત કરવા માટે વધુ સમય માંગ્યો હતો.