ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ વિદેશી વેક્સીનને મંજૂરી અંગેના નિયમો હળવા બનાવ્યા છે. નવા નિયમો મુજબ હવે મોડર્ના અને ફાઈઝર જેવી વિદેશી કંપનીઓની વેક્સીન ઝડપથી ભારતીય માર્કેટમાં આવી શકે તે માટે તેમને ભારતમાં ટ્રાયલ લેવામાંથી મુક્તિ મળશે. વિદેશી કંપનીઓને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીમાં વેક્સીન દરેક બેચનું ટેસ્ટિંગ નહીં કરવું પડે. આ ઉપરાંત પોસ્ટ-લોન્ચ બ્રિજિંગ ટ્રાયલમાંથી પણ વિદેશી કંપનીઓને મુક્તિ આપવામાં આવી છે.

ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, જે રસીનો ઉપયોગ પહેલા જ લાખો લોકો પર થઈ ચુકયો છે તેને ટ્રાયલમાંથી છુટ આપવામાં આવી છે. જોકે આવી રસી જે પહેલા 100 લોકોને મુકવામાં આવશે તેમના પર સુરક્ષાના કારણોસર સાત દિવસ સુધી નજર રાખવામાં આવશે.

જે વેક્સીનને અમેરિકામાં અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે તેમણે ભારતમાં અલગથી દર્દીઓ પર ટ્રાયલની કાર્યવાહી કરવી નહીં પડે. અત્યાર સુધી ભારત સરકારની શરત પ્રમાણે કોઈ પણ વિદેશી કંપનીએ ભારતમાં જો પોતાની રસીને માર્કેટમાં મુકવી હોય તો સીમિત સંખ્યામાં પણ ભારતીય વોલિએન્ટિયર્સ પર તેની મેડિકલ ટ્રાયલ જરુરી હતી. જેથી ભારતમાં રસી અકસીર છે કે નહીં તે જાણી શકાય. જોકે આ નિયમમાંથી વિદેશી કંપનીઓને મુક્તિ આપવામાં આવી છે.

અગાઉ મોડર્ના અ્ને ફાઈઝર કંપનીઓએ ભારતમાં ટ્રાયલમાંથી મુક્તિ માંગી હતી પણ આ બાબતે અત્યાર સુધી ભારત સરકારે કોઈ નિર્ણય લીધો નહોતો. હવે આ કંપનીઓને રાહત આપવામાં આવી છે.