એન્જિનિયરિંગ, ફાર્મા, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને કેમિકલ ક્ષેત્રની આગેવાની હેઠળ ભારતની નિકાસ મે 2021માં 67.39 ટકા વધીને 32.21 બિલિયન ડોલર થઈ હતી, એમ સરકારે બુધવારે જારી કરેલા ડેટામાં જણાવાયું હતું.
ગયા વર્ષના મેમાં ભારતની નિકાસ 19.24 બિલિયન ડોલર રહી હતી અને મે 2019માં 29.85 બિલિયન ડોલર હતી. ચાલુ વર્ષના મે મહિનામાં દેશની આયાત ગયા વર્ષના મે મહિનાની 22.86 બિલિયન ડોલરથી 68.54 ટકા વધીને 38.53 બિલિયન ડોલર થઈ હતી. મે 2019માં દેશની આયાત 46.68 બિલિયન ડોલર રહી હતી.

આમ ભારત મે 2021 ચોખ્ખો આયાતકાર દેશ હતો. વેપાર ખાધ 6.32 બિલિયન ડોલર થઈ હતી. મે 2020ની 3.62 બિલિયન ડોલરની વેપાર ખાધ સામે તેમાં 74.69 ટકાનો વધારો થયો છે. મે 2019માં વેપાર ખાધ 16.84 બિલિયન ડોલર રહી હતી.

મે 2021માં ક્રૂડ ઓઇલની આયાત વધીને 9.45 બિલિયન ડોલર રહી હતી, જે મે 2020માં 3.57 ટકા હતી. મે 2019માં દેશની ક્રૂડ ઓઇલની આયાત 12.59 બિલિયન ડોલર રહી હતી. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-મે ક્વાર્ટર દરમિયાન ભારતની નિકાસ વધીને 62.84 બિલિયન ડોલર થઈ હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં 29.6 બિલિયન ડોલર હતી. આ સમયગાળામાં આયાત 39.98 બિલિયન ડોલરથી વધીને 84.25 બિલિયન ડોલર થઈ હતી.