Corona epidemic

ભારતને શુક્રવાર તા. 23ના રોજ “રેડ લીસ્ટ”માં મૂકાયા બાદ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ)એ કહેવાતા ડબલ મ્યુટન્ટ ઇન્ડિયન વેરિએન્ટ B.1.617ના વધુ 55 કેસ મળી આવ્યા હતા. જેની સાથે કુલ કેસની સંખ્યા 132 થઇ છે.

આ મ્યુટેશન વધુ સરળતાથી બદલાઇ શકે છે, વધુ જીવલેણ છે અથવા રસી અથવા કુદરતી પ્રતિરક્ષાની અસરકારકતાને ટાળી શકે છે કે કેમ તે અંગે નિષ્ણાતો હજી પણ અભ્યાસ કરી રહ્યા છે. હાલને તબક્કે આ વેરિયન્ટને વેરિએન્ટ અન્ડર ઈન્વેસ્ટિગેશન (VUI) તરીકે ધ્યાનમાં લેવામાં આવી રહ્યો છે. સંબંધિત નિષ્ણાત સમિતિ જોખમનું મૂલ્યાંકન કરે પછી તેને વેરિએન્ટ ઑફ કન્સર્ન (VOC) તરીકે ગણવામાં આવી શકે છે એમ પીએચઇએ જણાવ્યું હતું.

છેલ્લે ગુરૂવારે સાંજે લંડનના હિથ્રો એરપોર્ટ પર એક ફ્લાઇટ દિલ્હીથી આવી હતી. બીજી તરફ હીથ્રો સત્તાવાળાઓએ ઓછામાં ઓછી આઠ વધારાની ફ્લાઇટ્સ ઉતારવા દેવાની વિનંતીઓ રદ કરી દીધી હતી. આખી ફ્લાઇટનું £100,000 નું ભાડુ ધરાવતી કેટલીક ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા કેટલાક લોકો લંડનના સ્ટેન્સેટેડ એરપોર્ટ પર ઉતર્યા હોવાના અહેવાલ મળ્યા છે.