(ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે ત્રણ મેચની ટી-20 સીરીઝની પ્રથમ બે મેચમાં અફઘાનિસ્તાનને બન્ને મેચમાં એક સરખા માર્જીનથી, છ વિકેટે હરાવી સીરીઝ જીતી લીધી હતી. પ્રથમ મેચ ગયા સપ્તાહે ગુરૂવારે ચંડીગઢ પાસેના મોહાલીમાં તથા બીજી મેચ રવિવારે ઈન્દોરમાં રમાઈ હતી.

પ્રથમ મેચમાં ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી અફઘાનિસ્તાનને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. પ્રવાસી ટીમે પાંચ વિકેટે 158 રન કર્યા હતા. મોહમ્મદ નબીએ સૌથી વધુ, 42 રન કર્યા હતા, તો ઓમરઝાઈએ 29, સુકાની ઈબ્રાહિમ ઝાદરાને 25 અને રહેમાનુલ્લા ગુરબાઝે 23 રન કર્યા હતા. ભારત તરફથી મુકેશ કુમાર અને અક્ષર પટેલે બે-બે તથા શિવમ દુબેએ એક વિકેટ લીધી હતી. ચંડીગઢમાં એટલી જબરજસ્ત ઠંડી હતી કે ફિલ્ડિંગ કરતી વખતે મોટા ભાગના ખેલાડીઓને ખિસ્સામાં હાથ રાખવાની ફરજ પડતી હતી અને જરૂર પડ્યે જ હાથ બહાર કાઢતા હતા.

ભારતે 159 રનનો ટાર્ગેટ 17.3 ઓવરમાં ચાર વિકેટના ભોગે હાંસલ કરી છ વિકેટે વિજય મેળવ્યો હતો. શિવમ દુબે 40 બોલમાં 60 રન કરી અણનમ રહ્યો હતો, તો જિતેશ શર્માએ 31, તિલક વર્માએ 26 અને શુભમન ગિલે 23 રન કર્યા હતા. શિવમ દુબેને તેના બે છગ્ગા તથા પાંચ ચોગ્ગા સાથેના 60 રન તથા એક વિકેટ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

રવિવારની બીજી મેચમાં પણ રોહિત શર્માએ ટોસ જીતી અફઘાનિસ્તાનને બેટિંગમાં ઉતાર્યું હતું. જો કે, પ્રથમ મેચની તુલનાએ પ્રવાસી ટીમે થોડો સારો દેખાવ કરતાં 172 રન કર્યા હતા. ગુલબદિન નાઈબે 35 બોલમાં ઝમકદાર 57 રન કર્યા હતા, જેમાં ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગાનો સમાવેશ થતો હતો.

ભારત તરફથી અર્શદીપસિંઘે 32 રનમાં 3, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈએ 2-2 તથા શિવમ દુબેએ એક વિકેટ લીધી હતી.

જવાબમાં યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબે, બન્નેએ ઝમકદાર બેટિંગ કરતાં 10 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. જયસ્વાલે 34 બોલમાં છ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 68 રન તથા શિવમ દુબેએ 32 બોલમાં ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે અણનમ 63 રન કર્યા હતા. સુકાની રોહિત શર્મા સતત બીજી મેચમાં શૂન્ય રને તંબુ ભેગો થયો હતો. વિરાટ કોહલીએ 16 બોલમાં 29 રન કર્યા હતા. ચાર ઓવરમાં ફક્ત 17 રન આપી મહત્ત્વની બે વિકેટ ખેરવવા બદલ અક્ષર પટેલને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

 

LEAVE A REPLY

1 × 2 =