ભારતે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)માં G4 દેશો તરફથી સુધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભારતે એવા અનેક સુધારા સૂચવ્યા છે, જેનો અમલ કરાશે તો કાઉન્સિલ વધુ લોકતાંત્રિક અને સમાવેશક બની શક્શે. ભારત તરફથી યુએનમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે ‘ઇન્ટરગવર્નમેન્ટલ નેગોસિએશન ઓન સિક્યોરિટી કાઉન્સિલ રીફૉર્મ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે G4 દેશો- બ્રાઝિલ, જર્મની, જાપાન અને ભારત તરફથી આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવમાં કાઉન્સિલના સભ્યોની સંખ્યા વર્તમાન 15થી વધારીને 25-26 કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છ કાયમી સભ્યો અને ચાર-પાંચ હંગામી સભ્યોનો સમાવેશ કરવાની ભલામણ છે. સાથે ભારતે ‘છ નવા સ્થાયી સભ્યોમાંથી બે આફ્રિકન રાજ્યો અને એશિયા પેસિફિકના દેશો દ્વારા, એક લેટિન અમેરિકન દેશો અને કેરેબિયન દેશો દ્વારા અને એક પશ્ચિમ યુરોપિયન દેશો અને અન્ય દેશો દ્વારા પ્રસ્તાવિત થવા જોઈએ’ તેવું જણાવવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સુરક્ષા પરિષદની વર્તમાન વ્યવસ્થામાં કાયમી અને અસ્થાયી એમ બંને વર્ગોમાં પ્રતિનિધિત્વનો અભાવ છે. આ કારણે કાઉન્સિલ અસરકારક નથી અને વૈશ્વિક સ્થિરતા તેમ જ શાંતિ માટે તેમાં તાત્કાલિક સુધારાની જરૂર છે. પ્રતિનિધિત્વના અભાવને અવગણીને કોઈ સુધારો શક્ય નથી અને ખાસ કરીને સ્થાયી કેટેગરીમાં ભારે અસંતુલન છે અને તેના કારણે કાઉન્સિલ આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવામાં અસમર્થ સાબિત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલમાં અત્યારે ચીન, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા પાસે જ વીટો પાવર છે.

LEAVE A REPLY

14 − 3 =