અમેરિકામાં ભારતીય મૂળના દંપતીએ કોરોના વાઇરસના દર્દીઓ માટે ઓછા ખર્ચે એક પોર્ટેબલ ઇમરજન્સી વેન્ટિલેટર વિકસાવ્યું છે અને તેનું ઝડપથી ઉત્પાદન પણ શરૂ કરાશે. આ વેન્ટિલેટર ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં ઝડપથી ઉપલબ્ધ કરાવાશે. જ્યોર્જિયા ટેકના જ્યોર્જ ડબલ્યૂ વૂડરફ સ્કૂલ ઓફ મિકેનિકલ એન્જિનિયરીંગના પ્રોફેસર દેવેશ રંજન અને તેમની ફેમિલી ફીઝિશિયન પત્ની આટલાંટામાં રહે છે. તેમણે ત્રણ અઠવાડિયામાં પ્રોટોટાઇપ વેન્ટિલેટર બનાવ્યું છે.

પ્રોફેસર રંજને જણાવ્યું હતું કે, જો તમે તેનું ઉત્પાદન કરો તો તે 100 ડોલરથી પણ ઓછા ખર્ચે બની જશે. જો તેની કિંમત 500 ડોલર પણ રાખવામાં આવે તો પણ તેના ઉત્પાદકને એટલી ખાતરી મળશે કે તેને માર્કેટમાં સારો નફો મળે છે.

આ પ્રકારના વેંટિલેટર અમેરિકામાં સરેરાશ 10 હજાર ડોલરમાં બને છે. જોકે, દેવેશ રંજન કહે છે કે, તેમનું આ વેન્ટિલેટર આઇસીયુ માટે નથી કારણ કે તેમાં વધુ ખર્ચ થશે. આ દંપતીએ ઓપન-એરવેન્ટ જીટીનું નિર્માણ કર્યું છે જેથી ફેફસા સંબંધિત ગંભીર સિન્ડ્રોમના દર્દીની સારવાર થઇ શકે, જે કોવિડ-19 લક્ષણમાં સામાન્ય વાત છે, જેમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને અંતે વેન્ટિલેટરની મદદ લેવી પડે છે.

આ વેન્ટિલેટરનું નિર્માણ જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં થયું છે અને તેમાં ઇલેકટ્રોનિક સેન્સર્સ અને કમ્પ્યૂટર કંટ્રોલનો ઉપયોગ કરાયો છે. ડો. દેવેસ રંજનના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટનું મુખ્ય લક્ષ્ય ઓછા ખર્ચે મેકશિફ્ટ વેન્ટિલેટર બનાવવાનું છે, જે ડોક્ટર્સને મદદરૂપ થશે.

બિહારના પટનામાં જન્મેલા દેવેશ રંજને ત્રિચીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને પછી મેડિસનની યુનિવર્સિટી ઓફ વિસ્કોનસિનમાંથી પી.એચ. ડી કર્યું છે. તેઓ છ વર્ષથી જ્યોર્જિયા ટેકમાં પ્રોફેસર છે. જ્યારે તેમની પત્ની કુમુદ છ વર્ષની ઉંમરે પોતાના માતા-પિતા સાથે અમેરિકામાં સ્થાયી થઇ ગયા હતા. તેઓ ઝારખંડમાં રાંચીના વતની છે. તેમણે મેડિકલનો અભ્યાસ ન્યૂજર્સીમાં કર્યો છે.

આ પ્રોટોટાઇપનું ઉત્પાદન સિંગાપોર સ્થિત રીન્યુ ગ્રુપ દ્વારા કરાશે અને તેના મુખ્ય અધિકારી ઇન્ડિયન અમેરિકન રવિ સજવાન ઉત્તરાખંડના વતની છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 3,45,000 કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે અને 5.4 મિલિયન લોકો તેનાથી તેનાથી ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. અમેરિકામાં સોમવાર સુધીમાં 99 હજારથી વધુ લોકોના મોત થયા છે અને 1.7 મિલિયન લોકો પોઝિટિવ છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો આ વાઇરસથી મુક્તિ મેળવવા માટે રસીનું સંશોધન કરી રહ્યા છે.