ઇન્ડિયન અમેરિકન સંશોધક ડો. રાજીવ જોશીને ઇલેકટ્રોનિક ઇન્ડસ્ટ્રી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ક્ષમતા સુધારવામાં યોગદાન બદલ પ્રતિષ્ઠિત ઇન્વેન્ટર ઓફ ધ યર એવોર્ડ અપાયો છે. ડો. જોશીએ અમેરિકામાં 250થી વધુ સંશોધનો કરીને તેની પેટન્ટ કરાવી છે. તેઓ ન્યૂયોર્કમાં આઇબીએમ થોમસન વોટસન રીસર્ચ સેન્ટરમાં કાર્યરત છે.
આ મહિનાની શરૂઆતમાં યોજાયેલા ઓનલાઇન એવોર્ડ સમારંભમાં તેમને ન્યૂયોર્ક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો એસોસિએશન તરફથી આ વાર્ષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આઇઆઇટી મુંબઇના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. જોશી મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની માસ્ટર ડિગ્રી ધરાવે છે અને ન્યૂયોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં પી.એચ.ડી કર્યું છે.તેમના સંશોધનો પ્રોસેસર્સ, સુપરકમ્પ્યુટર્સ, લેપટોપ્સ, સ્માર્ટફોન્સ, ગેજેટ્સ તથા અન્ય ઇલેકટ્રોનિક વસ્તુ સંબંધિત છે, જે અત્યારના આધુનિક જીવનના વૈશ્વિક કમ્યુનિકેશન, આરોગ્ય વિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રને અસર કરે છે.

ડો. જોશીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, જરૂરીયાત અને ઉત્સુકતામાંથી મને પ્રેરણા મળે છે. સમસ્યા શોધવી અને તેનું નિવારણ લાવવાની સાથે નિરીક્ષણ અને વિચારને કારણે નવા સંશોધનમાં તેમને મદદ મળે છે. તેઓ કહે છે કે, નાનપણમાં તેમને માતા-પિતાએ મેડમ ક્યુરી, રાઇટ બ્રધર્સ, જેમ્સ વોટ, એલેક્ઝાંડર બેલ, થોમસ એડિશન અન્ય જાણીતા વૈજ્ઞાનિકોની વાર્તા સંભળાવી હતી. જેના કારણે તેમને વૈચારિક પ્રક્રિયા તેમ જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રૂચી વધારવામાં મદદ મળી હતી.