વિશ્વની સૌથી લોકપ્રિય બાસ્કેટબોલ લીગ, અમેરિકાની મહિલા એનબીએમાં ભારતીય અમેરિકન સોનિયા રમણ કોચ બની છે. આ લીગમાં કોચ બનનારી તે પ્રથમ ભારતીય છે. સોનિયા રમણે આ સાથે નવો ઇતિહાસ રચ્યો હતો. 51 વર્ષની સોનિયાને સિએટલ સ્ટોર્મ ટીમે હેડ કોચ બનાવી છે.
આ અગાઉ તે ચાર વર્ષ મેમ્ફિસ ગ્રિજલીઝમાં આસિસ્ટન્ટ કોચ હતી અને ગયા વર્ષે ન્યૂયોર્ક લિબર્ટી સાથે કોચ તરીકે જોડાઈ હતી. મેસેચ્યુએટ્સમાં જન્મેલી સોનિયાના માતા-પિતા ભારતીય છે.
સોનિયાએ 1992માં ટફ્ટ્સ યુનિવર્સિટીમાંથી તેની કોલેજ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી તે બાસ્કેટબોલની રમત સાથે જોડાઈ હતી. જોકે એક દુર્ઘટનામાં પગ તૂટી જવાને કારણે સોનિયાને બાસ્કેટબોલ છોડી દેવું પડ્યું હતું.
આથી, તેણે બાસ્કેટબોલ સાથે સંકળાયેલા રહેવા માટે કોચિંગનો માર્ગ અપનાવ્યો હતો. સોનિયાએ કોચિંગ કારકિર્દી ઘડવા માટે કોચિંગની તાલીમ લીધી હતી અને આ રીતે બાસ્કેટબોલમાં પુનરાગમન કર્યું હતું.














