પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ડો અમી બેરા, પ્રેમિલા જયપાલ, રો ખન્ના અને રાજા ક્રિષ્નામૂર્તિ સહિત તમામ ચાર ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટિક સાંસદ અમેરિકાના પ્રતિનિધિગૃહમાં ફરી ચૂંટાઈ આવ્યા છે.

અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન સમુદાય પ્રથમ વખત એક મહત્ત્વનું પરિબળ બન્યો હતો. ડેમોક્રેટ અને રિપબ્લિકને આશરે 1.8 મિલિયન ઇન્ડિયન અમેરિકન સમુદાયના મતદાતાને આકર્ષવા માટે પ્રયાસ કર્યા હતા. ફ્લોરિડા, જ્યોર્જિયા, મિશિગન, નોર્થ કેરોલિન, પેન્સિલવેનિયા અને ટેક્સાસમાં આ સમુદાયના મત મહત્ત્વના બન્યા હતા.
ફિઝિશિયન હિરલ ટિપિરનેણી એરિઝોનના સિકસ્થ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં રિપબ્લિકન ઉમેદવાર ડેવિડ શ્વેકેર્ટ કરતાં પ્રારંભિક મતગણતરીમાં આગળ હતા. જો તેમનો વિજય થશે તો તેઓ પ્રતિનિધિગૃહમાં ચૂંટાયેલા બીજા ઇન્ડિયન અમેરિકન મહિલા બનશે અને સમોસા કોકસના સભ્યની સંખ્યામાં વધારો થશે. અગાઉ 55 વર્ષીય જયપાલ 2016માં પ્રતિનિધિ ગૃહમાં વિજય બનેલા પ્રથમ ઇન્ડિયન અમેરિકન હતા.

ક્રિષ્નમૂર્તિ ઇન્ડિયન અમેરિકન લોમેકર્સના ગ્રૂપને અનૌપચારિક રીતે સમોસા કોકસ તરીકે ઓળખાવે છે. હાલમાં સમોસા કોકસમાં પાંચ ઇન્ડિયન અમેરિકન લોમેકર્સનો સમાવેશ થાય છે. તેમાં પ્રતિનિધિ ગૃહના ચાર સભ્યો તથા સેનેટર અને ડેમોક્રેટિક પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર 56 વર્ષીય કમલા હેરિસનો સમાવેશ થાય છે.
47 વર્ષીય રાજા ક્રિષ્નમૂર્તિએ લિબર્ટેરિયન પાર્ટીના પ્રેસ્ટોન નેસ્લનને સરળતાથી પરાજ્ય આપ્યો હતો. મતગણતરીના છેલ્લાં અહેવાલ મુજબ ક્રિષ્નમૂર્તિને આશરે 71 ટકા મત મળ્યા હતા.

44 વર્ષીય રો ખન્નાએ રિપબ્લિકન પાર્ટીના ઇન્ડિયન અમેરિકન રિતેષ ટંડનને સરળતાથી પરાજય આપ્યો છે. કેલિફોર્નિયાના 17માં ક્રોંગ્રેસન ડિસ્ટ્રિક્ટમાંથી રો ખન્નાની આ સતત ત્રીજી મુદત માટે જીત છે.

સોમોસા કોકસના સૌથી વધુ વરિષ્ઠ સભ્ય ડો અમી બેરા (55 વર્ષ)નો સતત પાંચમી મુદત માટે સેવન્થ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયામાંથી વિજય થયો હતો. મતગણતરીના છેલ્લાં અહેવાલ મુજબ ડો અમી બેરાએ તેમના રિપબ્લિકન હરીફ 65 વર્ષીય બુઝ પેટરસન સામે 25 ટકાથી વધુની અજેય સરેસાઈ હાંસલ કરી હતી.

દરમિયાન ડેમોક્રેટિક ઉમેદવાર 42 વર્ષીય શ્રીનિવાસ રાવ પ્રેસ્ટોન કુલકર્ણીનો ટેક્સાસના ટ્વેન્ટી સેકન્ડ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં રિપબ્લિકન ઉમેદવાર 52 વર્ષીય ટ્રોય નેહલ્સ સામે પરાજય થયો હતો.

રિપબ્લિકન મંગા અનંતાતમુલાનો વર્જિયાના ઇલેવન્થ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં ડેમોક્રેટિક ઉમેદવાર ગેરી કોનોલી સામે પરાજય થયો હતો. રિપબ્લિકન નિશા શર્માનો પણ કોંગ્રેસની બેઠક માટેના તેમના પ્રયાસમાં નિષ્ફળ રહ્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માર્ક ડેસૌલનિયર સામે તેમનો પરાજય થયો હતો.