ભારતના અર્થતંત્રને 11 વર્ષમાં સૌથી ખરાબ મંદીમાંથી બહાર લાવવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામને શનિવારે, 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરીને સામાન્ય પ્રજાને થોડી રાહત આપવાનો નવી દિશાનો પ્રયાસ કર્યો હતો તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ રદ કરીને કંપનીઓને રાહત આપી હતી. કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રોમાં વિક્રમી ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી. જો કે મોટી સંખ્યામાં નિષ્ણાતોએ બન્ને પગલાંને કરરાહત માટે ભ્રામક ગણાવ્યા હતા.
સરકારે ડીસઈન્વેસ્ટમેન્ટના ભાગરૂપે એલઆઈસી અને આઈડીબીઆઈમાં તેનો હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. આ સાથે નાણાંપ્રધાન નિર્મલા સીતારામને દાયકાનું પહેલું રૂ. 30.42 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરતાં અનેક મોટી જાહેરાતો કરી હતી.
આવકવેરાના દરમાં કાપ મૂકતાં વાર્ષિક રૂ. 17 લાખની આવક ધરાવતી વ્યક્તિને કરમાં વાર્ષિક રૂ. 31,000ની બચત થશે,
જોકે, આ માટે તેમણે બાળકોની ટયુશન ફી અને વીમા પ્રીમિયમ, પ્રોવિડન્ટ ફંડમાં રૂ. 1.5 લાખ સુધીની ચૂકવણી પર મળતી મુક્તિ તેમજ રૂ. 50,000ના સ્ટાન્ડર્ડ ડીડક્શન સહિતની અનેક વર્તમાન કરમુક્તી અને કપાતોનો લાભ પડતો મુકવો પડશે. કરદાતાઓ માટે નવી કર પ્રણાલી અને જુની કર પ્રણાલીમાંથી પસંદગીનો વિકલ્પ અપાયો છે, જુની પદ્ધતિ અપનાવવી હોય તેમના માટે ઈન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર કે રાહતો નથી.
નિર્મલા સીતારામને ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા ટેબલવેરથી ઈલેક્ટ્રિક એપ્લાયન્સસીસ, ફૂટવેર, ફર્નિચર, સ્ટેશનરી અને રમકડાં સહિતના વિવિધ ઉત્પાદનો પર આયાત જકાત વધારી છે. ખેડૂતોને તેમના ખેતરોમાં સૌર ઊર્જા ઉત્પાદન એકમો સ્થાપવા ભંડોળ પૂરૂં પાડશે. આ ઉપરાંત નાણાંપ્રધાને 2020-21માં જીડીપીનો અંદાજિત આર્થક વિકાસ દર 10 ટકા રહેવાની ધારણા દર્શાવતાં સંસદમાં વિપક્ષે તેમનો હુરિયો બોલાવ્યો હતો. સીતારામને કહ્યું હતું કે સરકાર એક ટેક્સ પેયર ચાર્ટર બનાવશે, જેથી હવે કોઈપણ કરદાતાને કોઈ અધિકારી પરેશાન કરી શકે નહીં. આ સાથે તેમણે બેન્કોમાં ભરતી માટે રાષ્ટ્રીય ભરતી એજન્સી બનાવવાની દરખાસ્ત પણ કરી હતી. દેશમાં કૃષિ અને ગ્રામીણ ક્ષેત્ર માટે તેમણે રૂ. 2.83 લાખ કરોડની ફાળવણી કરી હતી અને કૃષિ લોન આપવા માટે રૂ. 15 લાખ કરોડનું લક્ષ્ય નિશ્ચિત કર્યું છે. પરીવહન ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રૂ. 1.7 લાખ કરોડ અને ઊર્જા ક્ષેત્ર માટે રૂ. 40,740 કરોડની ફાળવણી કરાઈ છે.
જોકે, સરકાર સતત ત્રીજા વર્ષે તેનો નાણાકીય ખાધનો લક્ષ્યાંક ગુમાવશે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીના 3.8 ટકાની ખાધ રહેશે, જે ગયા વર્ષે 3.3 ટકા હતી. સરકારે આગામી નાણાકીય વર્ષ માટે 3.5 ટકાના નાણાકીય ખાધનું લક્ષ્ય રાખ્યું છે. સીતારામને કંપનીઓ દ્વારા ચૂકવાતાે ડીવીડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ રદ કર્યો હતો.