સિંગાપોરમાં 25 વર્ષીય ભારતીય યુવકને વર્ષ 2020માં પોતાના ઘરમાં કામ કરતી નોકરાણીને ઇજા પહોંચાડવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ૨૭ વર્ષીય પીડિતા મૂળ મ્યાનમારની રહેવાસી છે. કોર્ટે પીડિતાને વળતર પેટે 8500 સિંગાપોર ડોલર ચૂકવવાનો આદેશ પણ ભારતીય યુવક સૂર્યા કૃષ્ણનને કર્યો છે. મીડિયાના અહેવાલમાં જણાવ્યા અનુસાર સૂર્યાએ પોતાની નોકરાણીને ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવાના આરોપનો સ્વીકાર કરી લીધો છે. સૂર્યાની બહેને પીડિતાને હોઉગેંગ હાઉસિંગ સ્ટેટના એક ફલેટમાં કામ પર રાખી હતી. જ્યાં સૂર્યા પોતાની બહેન, માતાપિતા અને પીડિતાની સાથે રહેતો હતો.
29 મે, 2020ની સાજે સૂર્યાનો પરિવાર તેના પિતાનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો તે અગાઉ સૂર્યાએ દારૂ પીધો હતો. સૂર્યાએ દારૂના નશામાં પીડિતાના ચહેરા પર ત્રણ મુક્કા માર્યા હતાં. જેના કારણે પીડિતાના આંખની નીચેનું હાડકું તૂટી જતા તેને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. જો સૂર્યા વળતરની રકમ નહીં ચૂકવે તો તેને વધુ એક માસ માટે જેલમાં રહેવું પડશે.