નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ બુધવારે જાણકારી આપી છે કે દેશમાં 25મી મેના રોજ ઘરેલૂ વિમાની સેવા શરૂ કરવામાં આવશે. પુરીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે તમામ વિમાની કંપનીઓને 25મી મેથી ઓપરેશન શરૂ કરવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે. મુસાફરોના આવન-જાવન માટે મંત્રાલય અલગથી SOPs જાહેર કરી છે.દેશભરમાં કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લૉકડાઉનને પગલે છેલ્લા બે મહિનાથી ફ્લાઇટ સેવા બંધ છે.

જોકે, સરકારે ‘વંદે ભારત મિશન’ અંતર્ગત વિદેશમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે ફ્લાઇટ શરૂ કરી હતી. આ પહેલા 17મી મેના રોજ એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા તરફથી એક ટ્વિટ કરીને વિમાની સેવા શરૂ થયા બાદ કેટલા નિયમોનું પાલન કરવાનું રહેશે તે મામલે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. જેમાં મુસાફરોને નીચે પ્રમાણેના નિયમો પાળવાનું કહેવામાં આવ્યું હતું.

આમાં કહેવામાં આવ્યું છે કે તમામ મુસાફરોને માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. જેમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ, માસ્ક અને વ્યક્તિગત સુરક્ષા માટે ઉપકરણો પહેરવાનો સમાવેશ થાય છે. આ સાથે જ સહ-કર્મચારીથી ચાર ફૂટનું અંતર જાળવવાનું રહેશે. આ ઉપરાંત વેબ ચેક ઇન કરીને બોર્ડિંગ પાસની પ્રિન્ટઆઉટ લાવવી, હાથને સતત ધોવા અથવા સંક્રમણ મુક્ત કરવા માટે હંમેશા સાથે હેન્ડ સેનિટાઇઝર રાખવું વગેરે નિયમો સામેલ છે.

ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે 25મી માર્ચથી દેશમાં લૉકડાઉન લાગૂ છે. અત્યાર સુધી દેશમાં કોવિડ 19ના 81,900થી વધારે કેસ સામે આવી ચુક્યા છે. કોરોનાને કારણે દેશમાં 2,600 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આગામી સોમવારથી શરૂ થઈ રહેલી વિમાની સેવા માટે ટિકિટનું બુકિંગ બહુ ઝડપથી શરૂ થશે. જોકે, હાલ તેની કોઈ તારીખ જાહેર કરવામાં નથી આવી.