કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ભારતીય મૂળના 68 વર્ષીય બિઝનેસમેનની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ ઘટના ટાર્ગેડેટ કિંલિંગ હોવાનું માનવામાં આવે છે. સોમવારે બ્રિટિશ કોલંબિયાના એબોટ્સફોર્ડ શહેરમાં દર્શન સિંહ સહસીની હત્યા કરાઈ હતી.
એબોટ્સફોર્ડ પોલીસે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રિજવ્યુ ડ્રાઇવ પર ગોળીબારના અહેવાલ મળ્યાં હતાં. ઘટનાસ્થળે પોલીસને એક વાહનમાં ગંભીર હાલતમાં દર્શન સહસી મળી આવ્યાં હતાં. પ્રાથમિક સારવારના તબીબી પ્રયાસો છતાં તેમનું મોત નીપજ્યું હતું.
ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ (IHIT)એ મંગળવારે જણાવ્યું હતું કે શરૂઆતના સંકેતો સૂચવે છે કે આ ટાર્ગેટેડ હુમલો હતો. ગોળીબારના પરિણામે અન્ય કોઈને ઈજા થઈ ન હતી. તપાસકર્તાઓ હુમલા પાછળના કારણોની તપાસ કરી રહ્યાં છે. આ કેસમાં હજુ કોઇ ધરપકડ થઈ નથી અને તપાસ ચાલુ છે.
વાનકુવર સન અખબારના રીપોર્ટ અનુસાર, સહસી કેનમ ઇન્ટરનેશનલ નામનો કાપડ રિસાયક્લિંગ વ્યવસાય ચલાવતા હતા. કંપનીની વેબસાઇટ જણાવે છે કે તેઓ એક શીખ ખેડૂતના પુત્ર હતાં અને પંજાબમાં મોટા થયા હતો.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે દર્શનસિંહની હત્યાની સોશિયલ મીડિયામાં જવાબદારી સ્વીકારી હતી. બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી ધિલ્લોને એક સોશિયલ પોસ્ટમાં ડ્રગના વેપારમાં કથિત સંડોવણી અને તેમને પૈસા આપવાનો ઇનકાર કરવા બદલ સહસીની હત્યા કરવાનો દાવો કર્યો હતો.













