REUTERS/Dado Ruvic/Illustration

નવી ઉંચી ફી ફક્ત નવા અરજદારોને, અરજી વખતે અમેરિકાના વિઝા ના હોય તેવા લોકોને જ લાગુ પડશે
આ ઉંચી ફી અરજદારની કંપનીએ ચૂકવવાની રહેશે અમેરિકાના ટ્રમ્પ વહિવટીતંત્રે ગત સપ્તાહે H-1B વિઝાની અરજી પર એક લાખ ડોલરની ફી અંગે સ્પષ્ટતા કરી નિયમમાં વધુ રાહતોની વિગતો જાહેર કરી હતી.

અમેરિકામાં કામ કરતાં હજારો ભારતીય આઈટી વ્યવસાયિકો માટે આ રાહતના મોટા સમાચાર છે. આ સ્પષ્ટતા મુજબ જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી અથવા પ્રોફેશનલ્સ પહેલેથી અમેરિકામાં ઉપસ્થિત છે, એટલે કે જેમણે અમેરિકાની યુનિવર્સિટીઝમાં અભ્યાસ કર્યો છે અને હવે તેઓ ત્યાંથી જ H-1B સ્ટેટસમાં ટ્રાન્ઝિશન કરી રહ્યા છે તેમણે આ વધારાની ફી ચૂકવવી પડશે નહીં. એ જ પ્રમાણે જે લોકો પહેલેથી જ H-1B વિઝા પર કામ કરી રહ્યા છે અને હવે ફક્ત તેને રીન્યૂ કરવાના હોય અથવા તો ટ્રાન્સફર કરવાના હોય તેમને પણ આ લાખ ડોલરની ફી ભરવાની રહેશે નહીં. H-1B વિઝા હાઇલી સ્કિલ્ડ વર્કર્સને અમેરિકામાં ત્રણ વર્ષ માટે વસવાટની અને ત્યાં કામ કરવાની મંજૂરી આપે છે, તે વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે.

યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે (USCIS) કરેલી સ્પષ્ટતાથી અમેરિકામાં ભારતીય ટેક પ્રોફેશનલ્સ તથા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. હાલમાં અમેરિકામાં H-1B વિઝા પર લગભગ ત્રણ લાખ ભારતીય વર્કર કામ કરી રહ્યા છે. તેમાંના મોટાભાગના વર્કર ટેક્નોલોજી અને સર્વિસિસ ઇન્ડસ્ટ્રીઝમાં છે. યુએસ એડમિનિસ્ટ્રેશનના ડેટા અનુસાર તમામ નવા H-1B વિઝા એલોકેશનમાં લગભગ 70 ટકા હિસ્સો ભારતીયોનો છે, તેના પછી ચીની નાગરિકોનો ક્રમ આવે છે.

ચીની વ્યવસાયિકોની સંખ્યા લગભગ 11થી 12 ટકા છે. આ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે લોટરી સીસ્ટમ મારફત 85,000 નવા વિઝા આપવામાં આવે છે. ઈન્ડિયન અમેરિકન્સ પરના એક સેમિનલ સ્ટડી, અ અધર વન પરસન્ટના રીસર્ચ અનુસાર આ વિઝાએ ઈન્ડિયન અમેરિકન્સને અમેરિકામાં સૌથી વધુ ભણેલા ગણેલા અને સૌથી વધારે કમાણી કરનારા સમુદાયોમાંના એક બનવામાં મોટી મદદ કરી છે.

H-1B વિઝા હોલ્ડર્સમાં તેમના ડીપેન્ડન્ટનો પણ સમાવેશ થાય છે. તેઓ 30 લાખ ઈન્ડિયન અમેરિકન્સમાં લગભગ એક ચતુર્થાંશ છે. ભારતીય આઈટી કંપનીઓ તેનો ઉપયોગ અમેરિકાના ક્લાયન્ટ્સની સાઇટ્સ પર ભારતીય એન્જિનિયર્સને ડિપ્લોય કરવા માટે કરે છે. અમેરિકન કંપનીઓ પણ H-1B વિઝાના આધારે મોટાપાયે રીક્રૂટમેન્ટ કરે છે અને અમેરિકાની યુનિ.માંથી અસંખ્ય ભારતીય સ્ટુડન્ટ્સને કામ પર રાખી લે છે.

USCISએ હવે સ્પષ્ટતા કરી છે કે વિઝા સ્ટેટસમાં ફેરફાર ઇચ્છતા વિદેશી નાગરિકોએ H-1B વિઝા પરની વધારાની એક લાખ ડોલરની ફી ચૂકવવી પડશે નહીં.

તેનો અર્થ એ થયો કે જે વિદેશી નાગરિકો અન્ય કોઈ વિઝા પર અમેરિકામાં ટ્રાવેલ કરી રહ્યા હોય તેમણે અમેરિકામાં રહેવા H-1B પર સ્વીચ થવા પર એક લાખ ડોલરની ફી ભરવાની રહેશે નહીં. તેઓ આ વિઝા પર અમેરિકામાં ફરીવાર પણ જઈ શકશે અને તેમના પર કોઈ દંડ લાગુ નહીં પડે. આ અપવાદ વર્તમાન H-1B વિઝા હોલ્ડર્સ પર પણ લાગુ થશે કે જેઓ રીન્યુઅલ અથવા એક્સ્ટેન્શન ઇચ્છે છે.

USCISએ પહેલેથી જ સ્પષ્ટતા કરી છે કે નવી વિઝા ફીની જાહેરાત પહેલાં ઇશ્યૂ કરવામાં આવેલા અને તમામ વેલિડ H-1B વિઝા અથવા 21 સપ્ટેમ્બર, 2025ની સવારે 12.01 કલાક પહેલાં કરવામાં આવેલી કોઈ પણ અરજી પર લાગુ નહીં થાય. પહેલાં વિઝા એપ્લિકેશનની ફી કંપનીની સાઇઝ અને કેટેગરીના આધારે 215 ડોલરથી 5,000 ડોલર વચ્ચેની હતી. તેની સરખામણીએ એક લાખ ડોલરની ફી 20 ગણાથી લઈને 100 ગણી વધારે છે જે ઘણા H-1B વર્કર્સની સરેરાશ વાર્ષિક આવક કરતાં પણ વધારે છે.

LEAVE A REPLY