સબીહ ખાન
REUTERS/Eduardo Munoz

એપલે ભારતીય મૂળના સબીહ ખાનને તેના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિયુક્ત કરવાની બુધવારે જાહેરાત કરી હતી. 58 વર્ષીય સબીહ ખાન 30 વર્ષથી એપલમાં કામગીરી કરી રહ્યાં છે અને હાલમાં ઓપરેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ આ મહિનાના અંતમાં જેફ વિલિયમ્સનું સ્થાન લેશે, એમ આઇફોન ઉત્પાદક કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

૧૯૯૫માં એપલના પ્રોક્યોરમેન્ટ ગ્રુપમાં જોડાતા પહેલા તેમણે GE પ્લાસ્ટિક્સમાં એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્જિનિયર અને એકાઉન્ટ ટેકનિકલ લીડર તરીકે કામ કર્યું હતું. ૧૯૬૬માં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં જન્મેલા સબીહ ખાન શાળાના વર્ષો દરમિયાન સિંગાપોર ગયા અને પછી યુએસમાં સ્થાયી થયા હતાં. તેમણે ટફ્ટ્સ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેવડી સ્નાતકની ડિગ્રી અને રેન્સેલર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ (RPI)માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. છેલ્લા છ વર્ષોમાં, તેમણે એપલની ગ્લોબલ સપ્લાય ચેઇનનું નેતૃત્વ કર્યું હતું.

વિલિયમ્સ સીઈઓ ટિમ કૂકને રિપોર્ટ કરવાનું ચાલુ રાખશે તથા ડિઝાઇન ટીમ અને એપલ વોચ ડિવિઝનની કામગીરી સંભાળશે. અત્યાર સુધી ખાન એપલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઓપરેશન્સ તરીકે સેવા આપતા હતા, જે આઉટગોઇંગ સીઓઓ જેફ વિલિયમ્સને રિપોર્ટ કરતા હતા. તેઓ આ મહિનાના અંતમાં સત્તાવાર રીતે સીઓઓ બનશે.

કંપનીની સફળતામાં મહત્ત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરતાં ટીમ કૂકે સહિબ ખાનને “તેજસ્વી વ્યૂહરચનાકાર” ગણાવ્યા હતાં. કૂકે જણાવ્યું હતું કે સાબીહ એક તેજસ્વી વ્યૂહરચનાકાર છે જે એપલની સપ્લાય ચેઇનના શિલ્પકારોમાંના એક રહ્યા છે.

LEAVE A REPLY