Represents image

કેનેડા સરહદેથી અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ઘૂસાડવાના આરોપસર એક ભારતીય ટેક્સી ડ્રાઈવરને એક વર્ષ જેલની સજા કરાઈ છે.

ફેડરલ પ્રોસીક્યુટર ગ્રાન્ટ જેકિવથે આપેલી માહિતી પ્રમાણે ન્યૂયોર્ક રાજ્યના ઉટીકાની ફેડરલ કોર્ટના જજ ડેવિડ હર્ડે 30 વર્ષના જશ્વિંદરસિંહને સજા કરી હતી. અમેરિકામાં એસાયલમ (આશરો) મેળવીને વસેલા જશ્વિંદરસિંહ સામે દેશ નિકાલ (ડીપોર્ટેશન) નું પણ જોખમ છે. તેને દેશ નિકાલ નહીં કરાય તો બે વર્ષની સુપરવાઇઝડ રીલીઝનો પણ આદેશ છે.

ન્યાય વિભાગના જણાવ્યા પ્રમાણે ગત મેમાં જશ્વિંદર એક વયસ્ક અને એક બાળકને 2200 ડોલરમાં અમેરિકામાં ઘૂસાડવા માટે લેવા સરહદે ગયો ત્યારે તેની ધરપકડ કરાઇ હતી. જશ્વિંદરે 2019ના જાન્યુઆરીથી મે દરમિયાન કેટલાક ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં લાવ્યાની કબૂલાત કરી હતી.

તાજેતરમાં ફિલાડેલ્ફિયામાં વસતા જશ્વિંદર સામે નાણાકીય લાભ મેળવવા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં ઘૂસાડવાનો આરોપ હતો. જશ્વિંદર જાણતો હતો કે, ગેરકાયદે સરહદ પાર કરનારા લોકોને તે અમેરિકામાં ઘૂસાડતો હતો.

અમેરિકામાં મેક્સિકો સાથેની સરહદેથી ઘૂસણખોરી વધતાં પ્રમુખ ટ્રમ્પે તેમના શાસનકાળના પ્રારંભથી સરહદી દિવાલ ઊભી કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તેની સામે કેનેડા સાથેની 8840 કિ.મી. સરહદ લગભગ ખુલ્લી અને નહીંવત્ સુરક્ષાવાળી છે.

કેનેડા અને અમેરિકાના નાગરિકો આ સરહદેથી વિઝા વિના એકબીજાના દેશમાં અવરજવર કરતા હોય છે. જો કે આવા લોકો પાસે રોજગાર માટેની વર્ક પરમિટ જરૂરી થઇ પડે છે. આ સરહદેથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસનારાઓની સંખ્યા ઘણી ઓછી હોવા છતાં અગાઉના વર્ષોની સરખામણીએ 2018માં અમેરિકામાં બમણા એટલે કે 963 લોકોએ ઘૂસણખોરી કર્યાનું સરકારી આંકડામાં જણાવાયું હતું.