ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંક સતત વધ રહ્યો છે. જોકે, ભારતે કોરોના વાયરસ પર નોંધપાત્ર સફળતા મેળવી છે. કોરોના વાયરસથી સંક્રમિત ત્રણેય ભારતીયો કોરોના વાયરસથી મુક્ત થઈ ગયા છે. કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત ત્રીજા દર્દીની પરિસ્થિતિમાં સુધારો નોંધાયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

આ અગાઉ કેરળના બે દર્દીઓને કોરોના વાયરસમાંથી મુક્ત થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જેમાંથી એકની સારવાર કસારગોડના કંઝનગઢ સરકારી હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો જ્યારે બીજા દર્દીનો ઉપચર અલપ્પુઝા મેડિકલ કોલેજમાં ચાલી રહ્યો હતો. બંને દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો નોંધાયા બાદ તેમને હોસ્પિટલમાંથી ઘરે જવા માટેની રજા આપી દેવામાં આવી હતી.

ચીનમાં કોરોના વાયરસથી રવિવારે 142 વધુ લોકો મોતને ભેટ્યા હતા. જેથી મૃતકોનો આંક વધીને 1775 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના જણાવ્યા અનુસાર, શનિવારથી આ કેસના નવા 2009 મામલાઓ પ્રાકશમાં આવ્યા હતા. જે એક દિવસ પહેલા નોંધાયેલા 2641 કેસની સરખામણીએ ઓછા છે. કુલ 71330 મામલા પ્રકાશમાં આવ્યા હતા જેમાંથી 10973 દર્દીઓ સારવારથી વાયરસ મુક્ત થઈ ગયા છે.