રટગર્સ યુનિવર્સિટી-ન્યૂ બ્રન્સવિકના બે ભારતીય સહિત ચાર વિદ્યાર્થીઓની ગોલ્ડવોટર સ્કોલર્સ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમને ગણિત, વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠ અભ્યાસ બદલ પસંદ કરવામાં આવ્યા છે. આ અંગેની જાહેરાત યુનિવર્સિટીએ 7 એપ્રિલે કરી હતી.
આ ચારેય વિદ્યાર્થીઓ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી લાંબી બીમારીને ઓછી કરવા માટે બાયોઇન્ફોર્મેટિક્સમાં સંશોધન કરી રહ્યા છે અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ દ્વારા પરંપરાગત કરતાં આગળ વધી શકે તેવા કમ્પ્યુટર્સ વિકસાવી રહ્યા છે, ભૌમિતિક વસ્તુઓનું વિશ્લેષણ કરવા માટે ટોપોલોજી જેવા સૈદ્ધાંતિક ગણિતનો ઉપયોગ કરી રહ્યા છે અને આપણા બ્રહ્માંડને વધુ સારી રીતે સમજવા માટે ન્યુટ્રિનોઝ નામના નાના કણોનો અભ્યાસ કરી રહ્યા છે, તેવું પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું હતું.
ગોલ્ડવોટર સ્કોલરશિપ્સ એવા તેજસ્વી અંડરગ્રેજ્યુએટ્સને ગણિત, નેચરલ સાયન્સિઝ અને એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે. રટગર્સ- ન્યૂ બર્ન્સવીકે ન્યૂ જર્સીમાં સૌથી વધુ ચાર વિદ્યાર્થીઓને ગોલ્ડવોટર સ્કોલર્સનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેમાં સ્કુલ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાંથી પસંદ કરાયેલા ચારેય વિદ્યાર્થીઓનું નામાંકન થયું હતું.
પ્રેસ રીલીઝમાં રટગર્સ-ન્યુબ્રન્સવીકના ચાન્સેલર પ્રોવોસ્ટ ફ્રાન્સીન કોન્વેના જણાવ્યા અનુસાર, ‘જે તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી થઇ છે તેમાં ઇશ ગુપ્તા, સોહેબ હસન, એન્ડ્રુ શ્વાર્ટ્ઝ અને જુલિયા શ્નીડમેનનો સમાવેશ થાય છે. તેઓ કોઇપણ કારકિર્દી પસંદ કરે પરંતુ તેઓ વિશ્વમાં મોટો તફાવત ચોક્કસ લાવશે.’ ગોલ્ડવોટર સ્કોલર્સ તરીકે તેમની પસંદગી આ દરેક વિદ્યાર્થીઓ માટે અને અમારી સમસ્ત સંસ્થા માટે એક ખૂબ જ મોટી સિદ્ધિ છે.’
યુનિવર્સિટીઓ અને ચાર વર્ષની કોલેજો દર વર્ષે ચાર ગોલ્ડવોટર ઉમેદવારોનું નામાંકન કરી શકે છે. જે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે પસંદગી થાય છે તેમને રૂમ અને બોર્ડ, ટ્યુશન, ફરજિયાત ફી અને પુસ્તકો સાથે સંકળાયેલા ખર્ચને આવરી લેવામાં મદદ કરવા માટે 7,500 ડોલર સુધી પ્રાપ્ત થાય છે. અત્યાર સુધીમાં 433 શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નામાંકન થયેલ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવામાં આવી છે.
રટગર્સની ઓફિસ ઓફ ડિસ્ટિંગ્વિશ્ડ ફેલોશિપ્સના ડાયરેક્ટર આર્થર ડી. કેસિયાટોએ જણાવ્યું હતું કે, ‘તેજસ્વી તારલાઓ ફરીથી ચમક્યા છે, અને જુલિયા, સોહેબ, ઈશ અને એન્ડ્રુએ પણ પોતાને તારલા તરીકે સાબિત કર્યા છે. આ ચાર તેજસ્વી યુવા વૈજ્ઞાનિકો કદાચ ગોલ્ડવોટર સ્કોલરશિપ્સ માટે રટગર્સ દ્વારા મોકલવામાં આવેલા ઉમેદવારોમાં સૌથી મજબૂત છે.’