(Photo by NOAH SEELAM/AFP via Getty Images)

સાઉથ ઇન્ડિયન ફિલ્મોના જાણીતા દિગ્દર્શક એસ. એસ. રાજામૌલી એક મોટા બજેટની જંગલ એડવેન્ચર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મના પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં છે. રાજામૌલીએ આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં અને ઓડિશામાં કરી લીધું હોવાના પણ કહેવાય છે. જોકે, આ અંગે હજુ સુધી રાજામૌલીની ટીમ, પ્રિયંકા કે મહેશબાબુ તરફથી કોઈ જ વાત કરવામાં આવતી નથી.

અગાઉ એવી ચર્ચા હતી કે, તેઓ ભારતમાં શૂટિંગ કરીને કેન્યા જવા રવાના થયા હતા. પરંતુ હવે એવું કહેવાય છે કે રાજામૌલિએ અચાનક જ કેન્યાનું શૂટિંગ રદ્દ કરી દીધું છે અને તેઓ શૂટિંગનું સ્થળ પણ બદલી રહ્યાં છે. આફ્રિકાના કેટલાક દેશોમાં અજંપાભરી સ્થિતિને કારણે તેઓ ત્યાં શૂટ કરી શકે તેમ નથી.

શરૂઆતમાં તેઓ જુલાઈ મહિનામાં કેન્યામાં શૂટ શરૂ કરવાના હતા, પરંતુ તાજેતરના રીપોર્ટ મુજબ, સરકાર વિરોધી આંદોલનો અને લોકોની અજંપાભરી સ્થિતિ ધીરે ધીરે વધી રહી છે, ત્યારે ફિલ્મની ટીમે ક્રૂ અને કલાકારોને પ્રાથમિકતા આપવાનું વિચાર્યું અને તેઓ અન્ય દેશમાં શૂટ કરી શકાય એવા સ્થળોના વિકલ્પો શોધી રહ્યા છે.

હવે એવી પણ ચર્ચા છે કે, રાજામૌલી સાઉથ આફ્રિકા અને અન્ય દેશોમાં શૂટિંગ કરવાના વિકલ્પો શોધી રહ્યા છે, જ્યાં તેમની કલ્પના અને ઇચ્છા મુજબના ભૌગોલિક સ્થળો અને વિસ્તારો મળી રહેશે. ફિલ્મના એક ક્રૂ મેમ્બરના જણાવ્યા મુજબ, રાજામૌલી એવું માને છે કે, એમને એવા સ્થળોમાં શૂટ કરવું છે, જે ભારતીય સિનેમામાં અગાઉ ક્યારેય જોવા ન મળ્યા હોય. તાન્ઝાનિયાના પહાડો અને સાઉથ આફ્રિકાના કેટલાક સ્થળોને તેઓ પસંદ કરે છે. રાજામૌલીની અગાઉની ફિલ્મ ‘બાહુબલી’ અને ‘આરઆરઆર’ને વિશ્વ કક્ષાએ મળેલી સફળતાને કારણે દર્શકો તેમની પાસે ઘણી અપેક્ષા ધરાવે છે.

LEAVE A REPLY