Getty Images)

ભારતમાં છેલ્લા 24 કલાકમાં જ રેકોર્ડ 9,851 કેસો નોંધાયા છે અને કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 2,26,770ને પાર કરી ગયો છે. આ ઉપરાંત એક જ દિવસમાં 273 લોકોના મોત થતા કુલ મૃતકો સંખ્યા 6,348 રહી હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. દેશમાંથી અત્યાર સુધીમાં 1,09,461 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થયા છે જેને પગલે કુલ એક્ટિવ કેસ 1,10,960 છે.

આ પ્રમાણે કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ 48.27 ટકા રહ્યો છે. નિષ્ણાતોના મતે કોરોના આ જ ઝડપથી વધતો રહેશે તો બે દિવસમાં ભારત કોરોનાના કેસોની બાબતે ઈટાલી કરતા આગળ નિકળી શકે છે. ઈટાલીની તુલનાએ ભારતમાં ફેટાલિટીનો દર ઘણો સારો છે. ભારતમાં અત્યાર સુધીમાં ઈટાલીની તુલનાએ પાંચ ગણા ઓછા મૃત્યુ થયા છે.

દેશમાં 24 કલાકમાં 273 લોકોના મોત થયા છે જેમાં મહારાષ્ટ્રમાં 123, દિલ્હીમાં 44, ગુજરાતમાં 33, ઉત્તર પ્રદેશમાં 16, તમિલનાડુમાં 12, પશ્ચિમ બંગાળમાં 10, તેલંગાણા અને મધ્ય પ્રદેશમાં 6-6, કર્ણાટક, બિહાર તેમજ રાજસ્થાનમાં 4-4 ઉપરાંત આંધ્ર પ્રદેશ અને કેરળમાં 3-3ના મોત થયા છે.

ઉત્તરખંડમાં બે તેમજ જમ્મુ-કાશ્મીર, હરિયાણા તેમજ ઝારખંડમાં એક-એક દર્દીઓના મોત થયા છે. કોરોના મહામારીથી અત્યાર સુધીમાં દેશમાં 6,348 લોકોના મોત થયા છે જે પૈકી ઊંચો મૃત્યુદર ધરાવતા ટોપ પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં 2,710, ગુજરાતમાં 1,155, દિલ્હીમાં 650, મધ્ય પ્રદેશમાં 377 અને પશ્ચિમ બંગાળમાં 355નો સમાવેશ થાય છે.