REUTERS/Esa Alexander

ભારતનો દ. આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં વિજય પછી સેન્ચુરીઅન ખાતેની પ્રથમ ટેસ્ટમાં એક ઈનિંગ અને 32 રનથી સજ્જડ પરાજય થયો હતો. પાંચ દિવસની ટેસ્ટ મેચ ત્રીજા દિવસે જ પુરી થઈ ગઈ હતી. 

સા. આફ્રિકાના સુકાનીએ ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ લેવા કહ્યું હતું અને તેનો આ નિર્ણય સાર્થક રહ્યો હતો. ભારત પહેલી ઈનિંગમાં 245 રન કર્યા હતા, જેમાંથી પ્રથમ દિવસના અંતે 8 વિકેટે 208 રન કર્યા હતા. વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી અને લંચ સુધીના પહેલા સેશનમાં ફક્ત 26 ઓવર્સની રમત શક્ય બની હતી, જેમાં ભારતે 3 વિકેટે 91 રન કર્યા હતા.

એ પછી પણ ખરાબ પ્રકાશ અને વરસાદના કારણે રમતમાં વિક્ષેપ ઉભો થયો હતો અને એકંદરે દિવસમાં ફક્ત 59 ઓવર્સની રમત શક્ય બની હતી. ભારતની ઈનિંગમાં કે. એલ. રાહુલે સદી (101) કરી હતી, તો એ સિવાય વિરાટ કોહલીએ 38, શ્રેયસ ઐયરે 31 અને શાર્દુલ ઠાકુરે 24 રન કર્યા હતા. દ. આફ્રિકા તરફથી રબાડાએ 20 ઓવરમાં 59 રન આપી પાંચ વિકેટ તેમજ નાન્દ્રે બર્ગરે 15.4 ઓવરમાં 50 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. 

જવાબમાં દ. આફ્રિકાએ તેની પહેલી ઈનિંગમાં 408 રન કર્યા હતા. ડીન એલ્ગરે 185, માર્કો યાન્સેને 84 અને ડેવિડ બેડિંગહામે 56 રન કર્યા હતા, તો ભારત તરફથી જસપ્રીત બુમરાહે 26.4 ઓવરમાં 69 રન આપી ચાર વિકેટ તથા મોહમ્મદ સિરાજે 24 ઓવરમાં 91 રન આપી બે વિકેટ લીધી હતી. આ રીતે, દ. આફ્રિકાને 163 રનની સરસાઈ મળી હતી, પણ ભારતીય ટીમનો દેખાવ બીજી ઈનિંગમાં તો સાવ કંગાળ રહ્યો હતો અને ફક્ત 34.1 ઓવરમાં 131 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલી (76) અને શુભમન ગિલ (26) સિવાય કોઈ બેટર બે આંકડાના સ્કોરે પહોંચી શક્યો નહોતો. 

દ. આફ્રિકા તરફથી નાન્દ્રે બર્ગને 4, માર્કો યાન્સેને 3 અને રબાડાએ બે વિકેટ લીધી હતી. ડીન એલ્ગરને તેની શાનદાર બેટિંગ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.  

LEAVE A REPLY

1 × 1 =