FILE PHOTO (REUTERS Photo)

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સંબંધિત દુ:ખદ ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે પેપ્સિકોના ભૂતપૂર્વ CEO ઇન્દ્રા નૂયીએ તેમને સતર્ક રહેવા, સ્થાનિક કાયદાઓનો આદર કરવાની સલાહ આપી છે તથા તેમની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડ્રગ્સ અથવા વધુ પડતા મદ્યપાનમાં સામેલ ન થવાનો અનુરોધ કર્યો છે.

વૈશ્વિક સ્તરે સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી બિઝનેસ એક્ઝિક્યુટિવ્સમાં સ્થાન ધરાવતા નૂયીએ  10-મિનિટનો વીડિયો જારી કર્યો હતો, જેમાં અમેરિકા આવતા ભારતીય વિદ્યાર્થીઓને સલામત અને સતર્ક રહેવાની અને તેમને મુશ્કેલીમાં મુકી શકે તેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગુરુવારે X પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.

ઈન્દ્રા નૂયી કહે છે કે “ઘણા યુવાનો હાયર એજ્યુકેશન માટે અમેરિકા આવે છે. મારા ધ્યાનમાં આવ્યું છે કે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ સાથે અમેરિકામાં બહુ કમનસીબ ઘટનાઓ બને છે. તમારી જ પોતાની સુરક્ષા માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખવાની છે. કાયદાની મર્યાદામાં રહો. રાતના સમયે અંધારી જગ્યાઓ પર એકલા ન જાવ. ડ્રગ્સનું સેવન કરવાથી દૂર રહો, વધારે પડતો શરાબ ન પીવો. આ બધું કરશો તો આફત આવશે.”

વીડિયોમાં નૂયીએ કહ્યું કે તમારી યુનિવર્સિટી અને કોર્સને કાળજીપૂર્વક પસંદ કરો. હાયર એજ્યુકેશન માટે અમેરિકા આવવું એ તમારા જીવનની બહુ મોટી ઘટના હોઈ શકે છે કારણ કે તમારે તમારા પરિવાર અને સમુદાયથી દૂર રહેવું પડશે. તેથી તમે અમેરિકા આવો ત્યારે શરૂઆતના મહિનાઓમાં કાળજી રાખો. સમજી વિચારીને મિત્રો બનાવો, નવી આદતો વિકસાવો, કલ્ચરલ ચેન્જ અપનાવો, કારણ કે તમને ઘણી ફ્રીડમ મળશે ત્યારે તમને ઘણા નવા પ્રયોગ કરવાનું મન થશે. પરંતુ તેમાં સાવધાન રહો.

તેમણે જણાવ્યું કે ભારતીય વિદ્યાર્થીઓ હાર્ડ વર્ક કરીને સફળતા માટે જાણીતા છે, પરંતુ કેટલીક વખત યુવાનો ડ્રગ્સના રવાડે ચઢી જાય છે. આ બહુ જોખમી છે. તેનાથી તમારી માનસિક અને શારિરીક તંદુરસ્તી જોખમાશે અને કારકિર્દીને ભયંકર નુકસાન થશે. મારી સલાહ છે કે આવા પ્રકારના જોખમી પ્રયોગોથી દૂર રહો અને અહીંના કાયદાને સમજો.

 

LEAVE A REPLY

seven − three =