પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોટક મહિન્દ્રા બેન્ક હિન્દુજા ગ્રૂપે પ્રમોટર કરેલી ઇન્ડસઇન્ડ બેન્કને હસ્તગત કરવાના વિકલ્પની ચકાસણી કરી રહી છે તથા કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક ઉદય કોટકે આ દરખાસ્ત અંગે હિન્દુજા પરિવાર સાથે પ્રારંભિક મંત્રણા કરી છે તેવા સૂત્રોને ટાંકીને બ્લૂમબર્ગે આપેલા અહેવાલને હિન્દુજા ગ્રૂપે નકાર્યો છે.

ઇન્ડસઇન્ડ બેન્કના પ્રમોટર ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ (IIHL)એ જણાવ્યું હતું કે તે આ કથિત અફવાનું સંપૂર્ણપણે ખંડન કરે છે તથા તેને દ્વેષપૂર્ણ, ખોટી અને તથ્યહીન ગણે છે. IIHLની સ્થાપના હિન્દુજા પરિવાર અને બીજા સફળ એનઆરઆઇને કરેલી છે અને તેઓ સંપૂર્ણ સપોર્ટનો પુનરુચ્ચાર કરે છે. કોટક મહિન્દ્રા બેન્કના ચીફ કમ્યુનિકેશન ઓફિસર રોહિત રાવે પણ જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે કોઇ ટિપ્પણી કરવા માગતા નથી.

કોટક મહિન્દ્રા બેન્ક એસેટના સંદર્ભમાં દેશની ચોથા ક્રમની સૌથી મોટી ખાનગી બેન્ક છે અને ઇન્ડસઇન્ડ સાથેની ડીલથી તેની સ્થિતિ વધુ મજબૂત બનશે. કોટક બેન્ક સાથેની સંભવિત ડીલથી ઇન્ડસઇન્ડ બેન્કને નવજીવન મળી શકે છે. ઇન્ડસઇન્ડ બેન્કનું બજારમૂલ્ય ચાલુ વર્ષે 60 ટકા ઘટીને આશરે છ અબજ ડોલર થયું છે. આ વર્ષના પ્રારંભમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઇન્ડસઇન્ડમાં હિસ્સામાં વધારો કરવાની હિન્દુજા બ્રધર્સની યોજનાને અટકાવી હતી.