પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના જાણીતા વકીલ હરીશ સાલ્વે આગામી સપ્તાહે લંડન સ્થિત આર્ટિસ્ટ સાથે બીજા લગ્ન કરશે. સાલ્વે જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ક્વીન્સ કાઉન્સેલ (QC) બન્યા હતા.

ગયા મહિને તેમણે 38 વર્ષના લગ્નજીવન પછી પત્ની મીનાક્ષી સાલ્વેને ડિવોર્સ આપ્યા હતા. તેઓ 28 ઓક્ટોબરે લંડનના એક ચર્ચમાં તેમનાં મહિલા મિત્ર કેરોલિન બ્રોસર્ડ સાથે નવા જીવનનો પ્રારંભ કરશે. બન્નેના આ બીજા લગ્ન છે.સાલ્વે ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી બની ચુક્યા છે. તેમના થનારાં પત્ની કેરોલિન સાથે તેઓ છેલ્લા બે મહિનાથી નિયમિત રીતે ઉત્તર લંડનના ચર્ચમાં જતા હતા. બન્નેને પહેલા લગ્નથી સંતાનો પણ છે.

56 વર્ષની કેરોલિન એક કલાકાર છે અને એક દીકરીનાં માતા પણ છે. હરીશ સાલ્વેની કેરોલિન સાથે મુલાકાત આર્ટ એક્ઝિબિશનમાં થઈ હતી. પ્રથમ મુલાકાત પછી બંને નિયમિત રીતે એકબીજાને મળતાં રહ્યાં હતાં અને એમ પ્રણય પાંગર્યો હતો. સાલ્વેને કેરોલિને ભાવનાત્મક રીતે ઘણા સંભાળ્યા છે. બન્ને વચ્ચે સારી એવી અંડરસ્ટેન્ડિંગ થઈ અને પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.