કાર્ડિફમાં રવિવાર, 15 ઓગસ્ટ 2021ના રોજ આઇએનએસ તબાર પર (ડાબીથી જમણી બાજુ) રોયલ નેવી એડમિરલ જેરેમી કેયડ, બ્રિટન ખાતેના ઇન્ડિયન હાઇ કમિશનર ગાયત્રી ઇસ્સાર કુમાર, રોયલ નેવીના માનદ કેપ્ટન રાજ અગ્રવાલ અને ઇન્ડિયન કોમોડોર અનિલ જગ્ગી ઉપસ્થિત રહ્યાં હતા.

ભારતીય નૌસેના અને રોયલ નેવી વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય કવાયત કોંકણ માટે ફ્રિગેટ આઈએનએસ તબર 13 ઓગસ્ટના રોજ પોર્ટ્સમથ બંદર પર આવી હતી. ભારતીય નૌકાદળ અને રોયલ નેવી ઐતિહાસિક સંબંધો ધરાવે છે અને તાજેતરના દાયકાઓમાં સતત વિકાસ પામી રહ્યા છે. બન્ને તરફના જહાજો નિયમિતપણે એકબીજાના દેશોની મુલાકાત લેતા આવ્યા છે અને સંયુક્ત નેવલ એક્સરસાઇઝમાં સાથે ભાગ લીધો છે. બંને નૌકાદળો દ્વારા 2004થી વાર્ષિક દ્વિપક્ષીય નૌકા કવાયત ‘એક્સરસાઇઝ કોંકણ’ હાથ ધરી છે. પોર્ટ્સમથની સદ્ભાવના મુલાકાતે આવેલ ભારતીય નૌસેનાની ફ્રન્ટલાઈન ફ્રિગેટ આઇએનએસ તાબર પર ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ હતી.

INS તાબરે પોર્ટ્સમથ પોર્ટમાં પ્રવેશ કર્યો તે પહેલાં ભારતીય નૌકાદળ અને રોયલ નેવીના જહાજો દરિયામાં એક્સરસાઇઝ કરવા માટે ભેગા થયા હતા. આ વર્ષની એક્સરસાઇઝ કોંકણની આવૃત્તિ 12 ઓગસ્ટ 21ના ​​રોજ શરૂ થઈ હતી. બંદરમાં રોકાણ દરમિયાન, એક્સરસાઇઝનો હાર્બર ફેઝ 13થી 16 ઓગસ્ટ 21 દરમિયાન ચાલ્યો હતો. જે દરમિયાન કેટલીક કવાયત હાથ ધરવામાં આવી હતી અને અનુભવોની આપલે કરાઇ હતી. આ કવાયત 16 ઓગસ્ટ 21ના ​​રોજ દરિયામાં ચાલુ રહેશે, જેમાં તાબર કિનારા પરના વિમાનો સાથે, એર ડિફેન્સ એક્સરસાઇઝ, સબમરીન વિરોધી પ્રક્રિયાઓ, દરિયામાં દારૂગોળા ભરવાની કામગીરી માટે ફ્રન્ટ લાઇન રોયલ નેવી શિપ્સ સાથે યુધ્ધાભ્યાસ અને સમુદ્રમાં કોમ્યુનિકેશન્સ ડ્રીલ કરશે. આ કવાયતનું એક હાઇલાઇટ ક્રોસ ડેક હેલિકોપ્ટર ઓપરેશન હશે, જેમાં હેલિકોપ્ટર ઉતરાણ પ્રક્રિયાઓ કરશે.

હાઈ કમિશનર HE ગાયત્રી ઇસ્સાર કુમારે કહ્યું હતું કે ‘’ભારતીય નૌકાદળ અને રોયલ નેવી અનન્ય ઐતિહાસિક સંબંધો ધરાવે છે. તેઓ 2004થી દર વર્ષે દ્વિપક્ષીય નૌસેના કવાયત ‘કોંકણ’ નું આયોજન કરી રહ્યા છે. રોયલ નેવીના એચએમએસ વેસ્ટમિન્સ્ટર સાથે તેની સંયુક્ત કવાયત બંને નેવીઓ વચ્ચે ઇન્ટરઓપરેબીલીટી, સુમેળ અને સહકાર વધારવાનો છે. હું કેપ્ટન મહેશ મંગીપુડી અને INS તાબરના તમામ રેન્કનું સ્વાગત કરું છું. મને કોઈ શંકા નથી કે રોયલ નેવી દ્વારા આયોજિત પોર્ટ્સમથની તેમની મુલાકાત બંને નેવી વચ્ચેના મૈત્રીપૂર્ણ સંપર્કો અને સહકારને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે. હું આઈએનએસ તાબર અને એચએમએસ વેસ્ટમિન્સ્ટર બંનેને ખૂબ જ સફળ એંગેજમેન્ટ માટે શુભેચ્છા પાઠવું છું.’’

ભારતીય હાઇ કમિશ્નર ગાયત્રી ઇસ્સાર કુમાર, ભારતીય નૌકાદળના અધિકારીઓ કોમોડોર અનિલ જગ્ગી, આઇએનએસ તાબરના કમાન્ડિંગ ઓફિસર, કેપ્ટન મહેશ મંગીપુડી અને ફ્લીટ કમાન્ડર, રોયલ નેવીના વાઇસ એડમિરલ જેરેમી કેયડ અને ભારતીય રાજદ્વારી તેમજ રોયલ નેવીના માનદ કેપ્ટન રાજ અગ્રવાલ OBE RNR આઇએનએસ ટાબર પર થયેલ ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં જોડાયા હતા.