(ANI Photo)

ગુજરાતના પાંચ શહેરોમાં રવિવાર, 7 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ થયો હતો. 7થી 14 જાન્યુઆરી સુધી ચાલનારા પતંગ મહોત્સવને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મુક્યો હતો. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને આ વખતે ભગવાન રામની છબીઓ સાથે પતંગો લાવવામાં આવ્યાં હતા.

આ મહોત્સવમાં 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજ, 12 રાજ્યના 68 રાષ્ટ્રીય પતંગબાજ, ગુજરાતના 23 શહેના 856 પતંગબાજે ભાગ લઈ રહ્યાં છે. પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે. અમદાવાદ સાથે રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ડેનમાર્કના એક પ્રતિભાગીએ કહ્યું, “ભારતની આ મારી ત્રીજી મુલાકાત છે. હું આ વર્ષ માટે ખૂબ જ ઉત્સાહિત છું. એવું લાગે છે કે તે ગયા વર્ષ કરતાં વધુ મોટું હશે. ભૂતકાળમાં તે ખૂબ જ આનંદદાયક હતું. હું ઘણા પતંગબાજોને મળ્યો છું. ગુજરાત સુંદર છે. છેલ્લી વાર મેં સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી, તેના ઇતિહાસ વિશે જાણ્યું હતું.”

14-15 જાન્યુઆરીએ ગુજરાતમાં મકરસંક્રાંતિ અથવા ઉત્તરાયણનો તહેવાર ઉજવાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્ય પ્રધાનપદ દરમિયાન ગુજરાતના આ સ્થાનિક તહેવારને વૈશ્વિક બનાવવાનું વિચાર્યું હતું અને વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી પ્રથમ અમદાવાદમાં અને પછી રાજ્યભરના વિવિધ શહેરોમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલના નામથી પતંગોત્સવનું આયોજન કર્યું હતું.

LEAVE A REPLY

5 + 5 =