નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ 12 વર્ષથી વડાપ્રધાન પદ સંભાળી રહેલા બેન્જામિન નેતન્યાહૂના યુગનો અંત આવ્યો છે (Photo by GIL COHEN-MAGEN/AFP via Getty Images)

નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ 12 વર્ષથી વડાપ્રધાન પદ સંભાળી રહેલા બેન્જામિન નેતન્યાહૂના યુગનો અંત આવ્યો છે. સંસદમાં બહુમતી મેળવ્યા બાદ દક્ષિણપંથી યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા બેનેટે રવિવારે શપથ ગ્રહણ કર્યા હતા અને સોમવારથી નવી સરકારે કામગીરી ચાલુ કરી દીધી હતી. આ સાથે જ છેલ્લા 2 વર્ષમાં 4 વખત ચૂંટણી યોજાયા બાદ ઊભા થયેલા રાજકીય સંકટનો ઉકેલ આવ્યો હતો.

નવી સરકારમાં 27 પ્રધાનો સામેલ કરવામાં આવ્યા છે, જેમાંથી 9 મહિલાઓ છે. 120 સભ્યો ધરાવતી સંસદમાં બેનેટ 61 સાંસદો સાથે સામાન્ય બહુમત ધરાવતી સરકારનું નેતૃત્વ કરશે. સંસદમાં સંબોધન દરમિયાન બેનેટે પોતાની સરકારના પ્રધાનોના નામોની જાહેરાત કરી હતી અને તે સમયે 71 વર્ષીય નેતન્યાહૂના સમર્થકોએ અડચણ પણ ઉભી કરી હતી. જોકે નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેઓ ધારણા કરતાં વહેલા પુનરાગમન કરશે.