પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની ટોચની ચાર આઇટી કંપનીઓએ 2021-22ના નાણાકીય વર્ષમાં મોટાપાયે ભરતી કરવાની યોજના બનાવી છે. ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેકનોલોજી અને વિપ્રો કેમ્પસમાંથી 91,000ની ભરતી કરે તેવો અંદાજ છે. આ આંકડો ગયા વર્ષ કરતાં ઊંચો છે.

ટીસીએસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને ગ્લોબલ એચઆર વડા મિલિંગ લક્કડે તાજેતરમાં જણાવ્યું હતું કે કંપની ગયા વર્ષ જેટલી જ ભરતી કરવા માગે છે. કંપનીએ ગયા વર્ષ આશરે 40,000 ફ્રેશર્સની ભરતી કરી હતી.
ઇન્ફોસિસે જણાવ્યું હતું કે કંપની આગામી નાણાકીય વર્ષમાં ભારતમાં 24,000 કોલેજ ગ્રેજ્યુએટની ભરતી કરશે, જે ચાલુ વર્ષની સરખામણીમાં 15,000 વધુ છે.

એચસીએલ ટેકનોલોજીના ચીફ એચઆર ઓફિસર અપ્પારાવ વીવીએ જણાવ્યું હતું કે ભરતીના મોમેન્ટમમાં વેગ માટે સંખ્યાબંધ પરિબળો કારણભૂત છે. અમે લક્ષ્યાંક કરતાં 33 ટકા વધુ ભરતી કરી રહ્યાં છીએ. વિઝાના વાતાવરણ, વેતનમાં સુધારો અને સ્થાનિક લોકોની ભરતી માટે કેટલાંક દેશોના નિયમોને કારણે આ દેશોમાં ટેલેન્ટ પર મર્યાદા આવી છે. ગયા વર્ષે માનવબળમાં 70 ટકા વધારો ભારતમાં થયો હતો અને ભારતની બહાર 30 ટકા ભરતી થઈ હતી. આ વર્ષે રેશિયો 90 ટકા અને 10 ટકાનો રહેવાની ધારણા છે. એચસીએલ ભારતમાં 15,000 ફ્રેશર્સ અને વિદેશમાં 1,500થી 2,000 લોકોની ભરતી કરવા માગે છે. વિપ્રો માને છે કે આઇટી ક્ષેત્રમાં આગામી થોડા મહિનામાં ટેલેન્ટ વોર ચાલુ થશે. કંપનીઓએ છેલ્લાં બે ક્વાર્ટર્સમાં ભરતીમાં વધારો કર્યો છે.