ભારતમાં 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાનના પ્રારંભ બાદ મંગળવાર સુધીમાં 4.54 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી, જેમાંથી માત્ર 0.18 ટકા લોકોને આડઅસર થઈ હતી. રસીકરણ અભિયાનના ચોથા દિવસે વેક્સિન લીધા બાદ માત્ર 0.002 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાપડ્યા હતા, એમ સરકારે જણાવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું હતું કે મંગળવારે 2,07229 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રસીકરણ અભિયાન બાદ માત્ર 0.18 ટકા લોકોને આડઅસર થઈ હતી અને 0.002 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પ્રમાણ વિશ્વમાં અત્યાર સુધી સૌથી ઓછું છે.

સોમવાર સુધીમાં 580 વ્યક્તિને વેક્સિનની આડઅસર થઈ હતી અને સાત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. વેક્સિન બાદ બે વ્યક્તિના મોત થયા હતા, પરંતુ આ મોત વેક્સિનને કારણે ન થયા હોવાનો સરકારે દાવો કર્યો હતો. સોમવારે 1,48,266 હેલ્થકેર વર્કર્સને વેક્સિન અપાઇ હતી. રવિવારે માત્ર છ રાજ્યોમાં રસીકરણ કરવામાં આવ્યું હતું.

ઉત્તરપ્રદેશના મોરાદાબાદમાં સોમવારની સાંજે 46 વર્ષીય મહિપાલ સિંહનું અવસાન થયું હતું. મોતના 24 કલાક પહેલા તેમને વેક્સિન લીધી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હતું. મંગળવારે કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.

વિશ્વના આ સૌથી મોટા અભિયાનના પ્રથમ દિવસે આશરે 1.91 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. સરકારે પ્રથમ દિવસે ત્રણ લાખ લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, પરંતુ તે હાંસલ થઈ શક્યો ન હતો. પ્રથમ દિવસે ગુજરાતમાં 161 સેશન્સમાં 10,787ને વેક્સિન આપવામાં આવી હતી. રસીકરણ અભિયાનના સંકલન માટેની એપ્સમાં પ્રથમ દિવસે ખામી સર્જાઈ હતી. રવિવારે પણ એપમાં ખામીની ફરિયાદ આવી હતી. ઘણા હેલ્થ વર્કર્સને કો-વિન નામના સરકારી એપ મારફત વેક્સિન માટે મેસેજ મળ્યા ન હતા. ચાર રાજ્યોમાં આવી ખામી સર્જાઈ હતી. રવિવારે પણ એપમાં ખામીની ફરિયાદ આવી હતી.

સરકારે દરેક રસીકરણ કેન્દ્રમાં દરરોજ 100 વ્યક્તિને વેક્સિન આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં એક કરોડ હેલ્થ વર્કર્સ અને બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન આપવાની સરકારની યોજના છે.