અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કે ભારત અને ચીન જેવા દેશોના વિદ્યાર્થીઓને ટોચની અમેરિકન યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થયા પછી તેમના વતન પાછા જવું પડે છે તે “શરમજનક” છે. ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’થી કંપનીઓને અમેરિકામાં આવી પ્રતિભાને નોકરી પર રાખવા અને જાળવી રાખવામાં મદદ મળશે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક રાઉન્ડટેબલ બેઠક દરમિયાન કહ્યું હતું કે “આપણા દેશમાં કોઈ મહાન વ્યક્તિનું આવવું એક ભેટ સમાન છે. તેઓ કોલેજમાંથી સ્નાતક થાય છે અને ભારત પાછા જવું પડે છે, તેમને ચીન પાછા જવું પડે છે, તેમને ફ્રાન્સ પાછા જવું પડે છે. તેઓ જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા જવું પડે છે. રહેવું ખૂબ મુશ્કેલ છે. તે શરમજનક છે. તે હાસ્યાસ્પદ બાબત છે. અમે તેનું ધ્યાન રાખી રહ્યા છીએ.”
IBMના ભારતીય-અમેરિકન CEO અરવિંદ કૃષ્ણા અને ડેલ ટેક્નોલોજીસના CEO માઈકલ ડેલની હાજરીમાં ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ગોલ્ડ કાર્ડ વેબસાઇટ લાઇવ બની છે અને કંપનીઓ અમેરિકાની વ્હાર્ટન, હાર્વર્ડ અને MIT જેવી ટોચની અમેરિકન યુનિવર્સિટીઓમાંથી વિદ્યાર્થીઓને નોકરી પર રાખવા માટે ગોલ્ડ કાર્ડ ખરીદી શકે છે.
ગોલ્ડ કાર્ડની વિગતો આપતાં, વાણિજ્ય પ્રધાન હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે તેનો ખર્ચ એક વ્યક્તિ માટે એક મિલિયન ડોલર અને કંપનીઓ માટે બે મિલિયન ડોલર થશે અને આ લોકો અમેરિકામાં રહેવા માટે સંપૂર્ણપણે લાયક છે તેની ખાતરી કરવા માટે સંપૂર્ણ અને શ્રેષ્ઠ ચકાસણીનો સમાવેશ થશે.પાંચ વર્ષ પછી, તેઓ નાગરિક બની શકશે.













