REUTERS/Dado Ruvic/Illustration//File Photo

અરજદારોના સોશિયલ મીડિયાની ચકાસણી કરવાના અમેરિકાના નવા નિયમને કારણે ભારતમાં ભારતમાં હજારો અરજદારોના H1B વિઝા ઇન્ટરવ્યુ રદ થયા હતાં. 15 ડિસેમ્બરે અમલી બની રહેલા સોશિયલ મીડિયા સ્ક્રીનિંગને કારણે ભારતના ખાતેના અમેરિકાના દૂતાવાસે 15 ડિસેમ્બર પછીની તમામ વિઝા એપોઇન્ટમેન્ટ્સને આગામી વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી છે. આ સપ્તાહે નિર્ધારિત વિઝા એપોઇન્ટમેન્ટને આગામી વર્ષના મે મહિનાના અંત સુધી મુલતવી રાખવામાં આવી રહ્યા છે.

યુએસ દૂતાવાસે મંગળવારે રાત્રે વિઝા અરજદારો માટે એક એડવાઇઝરી જારી કરી જણાવ્યું હતું કે જો તમને એવો ઇ-મેઇલ મળ્યો હોય કે તમારી વિઝા એપોઇન્ટમેન્ટની તારીખ બદલવામાં આવી છે તો મિશન ઇન્ડિયા તમારી નવી એપોઇન્ટમેન્ટ તારીખમાં તમને મદદ કરવા માટે આતુર છે. દૂતાવાસે એવી પણ ચેતવણી આપી હતી કે વિઝા ઇન્ટરવ્યૂની તારીખમાં ફેરફારની નોટિસ મળ્યા પછી પણ જો કોઇ વિઝા અરજદાર અગાઉની નિર્ધારિત ઇન્ટરવ્યૂ તારીખે કોન્સ્યુલેટમાં પહોંચશે તેમને પ્રવેશ નકારવામાં આવશે.

15 ડિસેમ્બર અથવા તે પછી નિર્ધારિત ઇન્ટરવ્યૂ એપોઇન્ટમેન્ટને રદ કરાઇને નવી તારીખો લેવાની સૂચના આપવામાં આવી છે ત્યારે દૂતાવાસે આ એડવાઇઝરી જારી કરી હતી. અમેરિકાના વિદેશ વિભાગે વિઝા આપતા પહેલા અરજદારોની સોશિયલ મીડિયા પ્રવૃત્તિની વ્યાપક ચકાસણી કરવાનો નિર્ણય બનાવ્યો છે. આ નિયમ મુજબ કોન્સ્યુલર અધિકારીઓને ઇન્ટરવ્યૂ પહેલાં અરજદારોની સોશિયલ-મીડિયા પ્રવૃત્તિની તપાસ કરવી પડશે.

15 ડિસેમ્બરથી અમલી બનતી નવી નીતિ હેઠળ તમામ H-1B વર્કર અને તેમના H-4 આશ્રિતોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને પબ્લિક સેટિંગ્સમાં સ્વિચ કરવા પડશે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, લિંક્ડઇન અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવાતા યુઝરનેમ જાહેર કરવા પડશે. આવા એકાઉન્ટ છેલ્લાં પાંચ વર્ષથી નિષ્ક્રિય હોય પણ અરજદારોએ આ નિયમનું પાલન કરવું પડશે.

આ વધારાના સોશિયલ મીડિયા સ્ક્રીનીંગના નિયમથી એપોઇન્ટમેન્ટ સ્લોટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે કોન્સ્યુલેટ્સને દૈનિક ઇન્ટરવ્યૂની સંખ્યામાં ઘટાડો કરવાની ફરજ પડી છે. યુએસ વિદેશ વિભાગે આ નવા નિયમનો બચાવ કરતાં જણાવ્યું હતું કે વિઝાનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાનો નિર્ણય છે અને વિઝા કોઇ અધિકાર નહીં, પરંતુ વિશેષાધિકાર છે.

અમેરિકામાં ક્રિસમસની રજાઓ દરમિયાન H-1B વિઝા ધારકો સામાન્ય રીતે વિઝા સ્ટેમ્પિંગ માટે ભારતમાં આવતા હોય છે, તેથી તેઓ પણ ફસાઈ જાય તેવી શક્યતા છે.

LEAVE A REPLY