મેકકિન્સી એન્ડ કંપનીના ભૂતપૂર્વ ભાગીદાર પુનીત દીક્ષિતને યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કોલિન મેકમોહન દ્વારા તાજેતરમાં ઇન્સાઇડર ટ્રેડિંગ સ્કીમમાં 24 મહિનાની જેલ સજા ફટકારવામાં આવી છે.
દીક્ષિતને ગત વર્ષે 15 ડિસેમ્બરના રોજ આ સિક્યુરીટીઝ ફ્રોડ સાથે સંકળાયેલ સ્કીમમાં ઇન્સાઇડર ટ્રેડિંગના એક ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પુનીત દીક્ષિત અને મેકકિન્સી ધ ગોલ્ડમેન સાશ ગ્રુપના સલાહકાર હતા અને આ ગ્રૂપ ગ્રીનસ્કાય ઇન્ક.ને હસ્તગત કરવાનું હતું.
યુએસ એટર્ની ડેમિયન વિલિયમ્સે આ સજા અંગે જણાવ્યું હતું કે, ‘આજની સજા સાથે, પુનીત દીક્ષિતે તેના ગંભીર ગુનાના પરિણામોનો સામનો કરવો પડશે. અમે અમારા મૂડી બજારોની અખંડિતતાનું પ્રતિબદ્ધતાથી રક્ષણ કરવાનું જાળવી રાખીશું અને ગુપ્ત માહિતીનો દુરુપયોગ વેપારમાં કરીને છેતરપિંડી કરનારાઓને જવાબદાર ઠેરવીશું. વોલ સ્ટ્રીટ અને મેઈન સ્ટ્રીટને આ દૃઢ વિશ્વાસ દર્શાવે છે કે કોર્પોરેટ સલાહકારો કે જેઓ તેમને સોંપવામાં આવેલી માહિતીની ચોરી કરે છે અને તેમના અંગત લાભ માટે તેનો ઉપયોગ કરે છે તેમને પકડીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ફરિયાદ અને માહિતીમાં દર્શાવેલા આરોપો મુજબ, કોર્ટ ફાઇલિંગ અને જાહેર કોર્ટની કાર્યવાહીમાં જણાવવામાં આવ્યું હતું કે, ગ્રીનસ્કાર એ જાહેર વેપાર કરતી ફાયનાન્સિયલ ટેકનોલોજી કંપની હતી, જે બેંકો અને વેપારીઓને ઘરમાં સુધારો કરવા, સોલર, આરોગ્યસંભાળ અને અન્ય હેતુઓ માટે ગ્રાહકોને લોન આપવા માટે ટેક્નોલોજી પૂરી પાડતી હતી. ગ્રીનસ્કાયના સામાન્ય સ્ટોકનું નાસ્ડેકમાં ‘GSKY’ ચિહ્ન સાથે ટ્રેડીંગ થતું હતું.
નવેમ્બર 2019 અને જુલાઈ 2020ની વચ્ચે, અને ફરીથી એપ્રિલ 2021 અને સપ્ટેમ્બર 2021ની વચ્ચે, ગોલ્ડમેન શાસ દ્વારા ગ્રીનસ્કાયના સંભવિત સંપાદન અને સંપાદન પછીના સંકલન સંબંધિત સર્વિસીઝ આપવા માટે, મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ-મેકકિન્સી સાથે જોડાઈ હતી. ગ્રીનસ્કાય બાબતની કામગીરીમાં પુનીત દીક્ષિત એક અગ્રણી ભાગીદાર હતા. આ દરમિયાન તેમણે કંપનીની ગુપ્ત માહિતીનો દુરુપયોગ કર્યો હતો અને તેણે તેના દ્વારા વિવિધ રીતે અંદાજે 450,000 ડોલરનો નફો મેળવ્યો.
ન્યૂયોર્કના રહેવાસી 41 વર્ષીય દીક્ષિતને જેલની સજાની સાથે 455, 017 ડોલરની જપ્તીની રકમ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.