સંયુક્ત રાષ્ટ્રસંઘની ત્રાસવાદ વિરોધીની ઓફિસની વાર્ષિક બેઠકમાં ભારતે શનિવારે લોકતાંત્રિક વ્યવસ્થાનો એક ભાગ એવી રાજકીય વિચારસરણી તથા ત્રાસવાદને પ્રોત્સાહન આપતી કટ્ટરવાદી વિચારસરણી વચ્ચે ભેદરેખા પાડવાની જરૂરિયાત દર્શાવી હતી અને જણાવ્યું હતું કે બંનેને એકસમાન ગણવાની બાબત ભૂલભરેલી અને કાઉન્ટર પ્રોડક્ટિવ છે. આપણી લડાઈ લોકશાહી સામે નહીં પરંતુ આવી કટ્ટરવાદી વિચારસરણીઓ સામે છે.

યુનાઇટેડ નેશન ઓફિસ ઓફ કાઉન્ટર ટેરરિઝમ (UNOCT)ના ઉપક્રમે યોજાયેલી એમ્બેસેડર સ્તરની વાર્ષિક બેઠકમાં ભારતના યુએન ખાતેના કાયમી પ્રતિનિધિ ટી એસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે વિશ્વના દેશોએ 9/11 પહેલામાં યુગમાં પરત ન જવું જોઇએ, જેમાં ત્રાસવાદીને ‘તમારો ત્રાસવાદ’ અને ‘મારો ત્રાસવાદ’ એમ બે ભાગમાં વિભાજિત કરાયો હતો. આવા ભેદભાવથી ત્રાસવાદ સામેની લડાઈનો સામુહિક સંકલ્પ નબળો પડે છે.

તેમણે જણાવ્યું હતું કે “ત્રાસવાદને વિવિધ કેટેગરીમાં વિભાજિત કરીને તેને અલગ લેબલ આપવાના નવેસરથી પ્રયાસ થઈ રહ્યાં છે. ઉદાહરણ વિદેશી પ્રત્યેની ઘૃણા, જાતિવાદ અને અન્ય સ્વરૂપની અસહિષ્ણુતા અથવા ધર્મ માન્યતાના નામ હેઠળ આ ચર્ચાવિચારણામાં જમણેરી ઉગ્રવાદ, ડાબેરી ઉગ્રવાદ, હિંસક રાષ્ટ્રવાદ, જાતિવાદ કે વંશવાદ પ્રેરિત હિંસક રાષ્ટ્રવાદ જેવી કેટેગરીનો સમાવેશ કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે.”

લોકશાહીમાં જમણેરી પાંખ અને ડાબેરી પાંખ આ વ્યવસ્થાનો ભાગ છે તે સમજવાની જરૂરિયાત દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે આ વિચારધારા બહુમતી લોકોની ઇચ્છાથી ચૂંટણી મારફત સત્તા પર આવે છે. લોકશાહીની વ્યાખ્યામાં વિવિધ ફલકની વિચારસરણી અને માન્યતાઓનો સમાવેશ થાય છે. આપણે લોકતાંત્રિક વ્યવસ્થાનો એક ભાગ એવી રાજકીય વિચારસરણી તથા ત્રાસવાદને પ્રોત્સાહન આપતી કટ્ટરવાદી વિચારસરણી વચ્ચે ભેદરેખા પાડવાની જરૂરિયાત છે. આપણી લડાઈ લોકશાહી સામે નહીં પરંતુ આવી કટ્ટરવાદી વિચારસરણીઓ સામે છે. આ બંને એકસમાન ગણવાની બાબત દોષપૂર્ણ અને પ્રતિઉત્પાદક છે.

વિદેશી પ્રત્યેની ઘૃણા, જાતિવાદ અને બીજા સ્વરૂપની અસહિષ્ણુતા કે ધર્મ અને માન્યતા આધારિત ત્રાસવાદી કૃત્યોથી ઊભા થતાં જોખમના આકલન અંગેનો મહામંત્રીનો રીપોર્ટ તૈયાર કરવાના પ્રયાસોની વચ્ચે તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે આપણે આપણે અભિગમમાં પક્ષપાતી ન બનવું જોઇએ, પરંતુ ત્રાસવાદ સામે ઝીરો ટોલેરન્સનો અમલ કરવો જોઇએ.

તિરુમૂર્તિ હાલમાં સિક્યોરિટી કાઉન્સિલની ત્રાસવાદી વિરોધી સમિતિ અને 1988 પ્રતિબંધ સમિતિના વડા છે. તેમણે જણાવ્યું હતું કે ત્રાસવાદનું એકંદર જોખમ વધ્યું છે. એશિયા અને આફ્રિકામાં અલ-કાયદા, આઇએસઆઇએલ અને તેમની સાથે જોડાયેલા સંગઠનો દ્રારા ઊભા કરવામાં આવતા જોખમોને સ્વીકારવાની અને તેનો ઉકેલ લાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે ત્રાસવાદ વિરોધી સમિતિ અને યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓફ કાઉન્ટર ટેરરિઝઝમ વચ્ચે સંકલનમાં વધારો કરવો જોઇએ, કારણ કે આ બંને એકબીજાને પૂરક ભૂમિકા ભજવે છે.